સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : કુંવરજીભાઇ બાવળિયા

વલસાડ - નવસારી અને સુરત ઝોન પાણી પુરવઠા યોજનાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ થતા ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૮ : વલસાડ જિલ્લામાં લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓની કામગીરીનું જાત નિરીક્ષણ રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કર્યુ હતુ. આ વેળાએ પારડી તાલુકાના તરમાલીયા, પંચલાઇ, વાપી-ચણોદ, કપરાડા તાલુકાના જીરવલ ખાતે ઇન્ટેક વેલ, પંપીગ સ્ટેશન, મીની પાઇપલાઇ, મીની પાણી પુરવઠા યોજનાઓ, ધરમપુર નગરપાલિકા વિસ્તાર માટે ફીલ્ટરેશન પ્લાન્ટ, વલસાડ તાલુકાના મોટી દાંતી ખાતે પીવાના પાણીની સમસ્યા તેમજ દરિયાઇ ધોવાણ વિસ્તારની મુલાકાત લઇ કામગીરીનો તાગ મેળવ્યો હતો.

આ અવસરે કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજય સરકારે પણ પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે ચિંતા વ્યકત કરી છે. પીવાના પાણીની ગુણવત્તાજળવાઇ રહે અને લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વિવિધ યોજનાઓને સંકલિત કરી લોકોને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે. વાપી જુથ પાણી પુરવઠા યોજનામાં જી.આઇ.ડી.સી. ની જમીનનો પ્રશ્નનો ઉકેલ લાવવા પણ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જે યોજનાઓની કામગીરી ચાલી રહી છે તે ઝડપથી પૂર્ણ થાય, કામગીરીમાં કોઇ મુશ્કેલી આવી રહી હોય તો તેનો નિકાલ થાય તે માટે રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. એક વ્યકિતને એક દિવસમાં ૧૦૦ લીટર પાણી મળી રહે તેવી રીતે લાંબાગાળાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. હાલ જયાં પાણીનો પ્રશ્ન છે ત્યાં હયાત યોજનાને અપગ્રેડ કરીને પણ લોકોને સરફેશ વોટર મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સંકલન થકી ૨૦૨૨ સુધીમાં બધી યોજનાઓ સાકાર પામે અને ગામડાઓના ફળિયા સુધી પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે.

આ અવસરે સુરત ઝોનના મુખ્ય ઇજનેર એન.એચ.પટેલે ઈસ્ટોલ પાણી પુરવઠા યોજના હેઠળ વલસાડ જિલ્લાના ગામોમાં કેવી રીતે પાણી પહોંચાડવામાં આવશે તે નકશા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.

મંત્રીશ્રીની આ મુલાકાતવેળાએ નાયબ દંડક આર. સી. પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે. પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

(11:44 am IST)