સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ભણ્યા પછી કમાઇને ચુકવો ફી : ફિઝિયોથેરપિસ્ટ બનવા ભુજની કોલેજની યુવાનો માટે 'બનો આત્મનિર્ભર' પહેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઇના 'આત્મનિર્ભર' અભિયાનને પગલે ભુજની ચાણકય કોલેજની કોરોનાકાળમાં પ્રશંસનીય પહેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : કોરોનાએ અત્યારે દેશમાં આર્થિક સંકટ સાથે યુવાવર્ગ માટે રોજગારીએ સમસ્યા સર્જી છે ત્યારે વર્તમાન પડકારને પહોચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર' અભિયાન સાથે દેશને એક નવી જ રાહ ચિંધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના આ પ્રયાસને પગલે કચ્છની ખાનગી શૈક્ષણીક સંસ્થા ચાણકય ફિઝિયોથેરાપી કોલેજે પ્રેરાઈને એક નવી જ પહેલ કરી છે. શું છે આ નવી પહેલ? કોલેજના એમડી પંકજ મહેતા કહે છે કે, કોરોનાકાળમાં અત્યારે વાલીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં શું કરવું, ઉચ્ચ શિક્ષણ માટે ફી કેમ ભરવી?, શિક્ષણ મેળવ્યા પછી નોકરી કે સ્વતંત્ર વ્યવસાય કરવો? એવા અનેક પ્રશ્નો ચાલી રહયા છે. ત્યારે આવા સંજોગોમાં આપણે એક શૈક્ષણીક સંસ્થા તરીકે શું કરી શકીએ એવું મનોમંથન આમારા ટ્રસ્ટીઓ વચ્ચે થયું. ત્યારે સૌ ટ્રસ્ટીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈનું 'બનો આત્મનિર્ભર' અભિયાન સ્પર્શી ગયું. અમારી સંસ્થા તક્ષશિલા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે ફિઝિયોથેરાપી કોલેજ ચલાવાય છે. જેમાં અમે નક્કી કર્યું છે કે, આ વર્ષે એડમિશન લેનાર વિધ્યાર્થીઓ માટે ફી મા રાહત અપાશે. સતત ચાર વર્ષ સુધી ફિઝિયોથેરાપીનો કોર્સ પુરો કર્યા સુધી વિધ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવાશે નહી. અભ્યાસ પુરો કર્યા બાદ વિદ્યાર્થીઓ ફિઝિયોથેરપિસ્ટ બની આત્મનિર્ભર થઈ જાતે જ કમાતા થાય પછી સરળ હપ્તે પોતાની ફી ભરી શકશે. એટલે કે, અત્યારે એક પણ રૂપિયો ભર્યા વગર વિધ્યાર્થી ભણી ગણી ફિઝિયોથેરપિસ્ટ બની શકશે. અત્યારે આ સંસ્થામાં કુલ ૬૦ બેઠકો છે. વહેલો તે પહેલોને ધોરણે પ્રવેશ અપાશે. પૂર્વ ધારાસભ્ય અને રાજકીય સમાજિક આગેવાન પંકજ મહેતાએ વધુમા જણાવ્યું હતું કે, અમારા ચેરમેન વાડીલાલભાઈ સાવલાની એવી ઈચ્છા છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત વધુને વધુ દીકરીઓ તેમ જ દીકરાઓ હાયર એજયુકેશન મેળવી ફિઝિયોથેરપિસ્ટ તરીકેની પ્રતિષ્ઠિત ડિગ્રી મેળવી સમાજમાં માન મોભા સાથે આત્મનિર્ભર બને.

આ યોજનાની માહિતી માટે મોબાઈલ નંબર ૭૨૦૩૯ ૩૩૮૧૭, ૯૯૮૩૨૨૯૨૨૮ ઉપર સંપર્ક કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માહિતી મેળવી શકશે. સમગ્ર યોજનાની માહિતી ચેરમેન વાડીલાલ સાવલા, વાઈસ ચેરમેન સંદિપ દોશી, સીઈઓ મેહવિશ મેમણ, આચાર્ય રાજકિરણ ટીકુ દ્વારા અપાઈ હતી.

(11:44 am IST)