સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

બાબરા તાલુકાના દરેડ ગામ સ્‍થિત ભકત શિરોમણી આપા મેરામની જગ્‍યામાં ધામધૂમથી ઉજવાશે અષાઢી બીજ મહોત્‍સવ

ધ્‍વજારોહણ, ધર્મસભા, ઠાકોરજીનો થાળ, સાંધ્‍ય મહાઆરતી અને ભવ્‍ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોઃ સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ અમરેલી જિલ્લાના, બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ ભક્‍ત શિરોમણી શ્રી આપા હરદાસ - આપા મેરામની જગ્‍યામાં  તા.૧ જુલાઈના શુક્રવારે  રોજ  અષાઢી બીજ મહોત્‍સવ ધામધૂમથી ઉજવવા સમસ્‍ત સમાજમાં હરખની હેલી ઉઠી છે.

આ દિવસે સવારથી રાત્રિ સુધી અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમાં સવારે ૯ વાગ્‍યે ધ્‍વજારોહણ, ૧૦ વાગ્‍યે ધર્મસભા, ૧૧ વાગ્‍યે પ્રસાદ તથા ફરાળ,  ૧૧:૩૦ વાગ્‍યે ઠાકોરજીનો થાળ, સાંજે ૬ વાગ્‍યે મહાપ્રસાદ, ૭:૩૦ વાગ્‍યે મહાઆરતી, તેમજ રાત્રિના ૧૦ વાગ્‍યે ભવ્‍ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં સંતવાણીના આરાધકો જેસિંગભાઈ ગરૈયા અને પ્રકાશ ગોહિલ તેમજ લોકસાહિત્‍યકાર લાખણસિંહભાઈ ગઢવી ધૂન, ભજન અને લોકસાહિત્‍યની ધૂમ મચાવશે.

સમગ્ર અષાઢી બીજ મહોત્‍સવમાં મહાપ્રસાદના દાતાઓ વનરાજભાઈ બચુભાઈ ગરૈયા, રામભાઇ બચુભાઈ ગરૈયા, એભલભાઈ બચુભાઈ ગરૈયા, મનોજભાઇ વિરાભાઈ ગરૈયા, મેહુલભાઈ વિરાભાઈ ગરૈયા, રાજ રામભાઇ ગરૈયા, ગૌરાંગ એભલભાઈ ગરૈયા તથા માધવ વનરાજભાઈ ગરૈયાની અનન્‍ય સેવા મળી હોવાનું આયોજકોએ જણાવ્‍યું હતું.

અષાઢી બીજ મહોત્‍સવને દિપાવવા અને આયોજકગણનો ઉત્‍સાહ વધારવા મહંતશ્રી  માતૃશ્રી રામબાઈની જગ્‍યા (વવાણિયા), મહંતશ્રી ભગતશ્રી આપા માણસુરની જગ્‍યા (સુલતાનપુર), મહંતશ્રી માતૃશ્રી હોલમાતાની જગ્‍યા (જાલશિકા ), મહંતશ્રી  આપાદેહાની જગ્‍યા (ગરણી), મહંતશ્રી  અમરધામ આશ્રમ (માટેલ), મહંતશ્રી ધનાબાપાની જગ્‍યા (ધોળા), મહંતશ્રી  માતૃશ્રી ગંગાસતી પાનબાઈ આશ્રમ (સમઢીયાળા), મહંતશ્રી ઠાકરની જગ્‍યા ( કંધેવાળિયા), મહંતશ્રી ઠાકરની જગ્‍યા (આંબરડી), મહંતશ્રી ઠાકરની જગ્‍યા (ચાવંડ), મહંતશ્રી ઓમકારેશ્વર મહાદેવ આશ્રમ (હલેન્‍ડા), મહંતશ્રી  રવાનંદજી બાપુ-ખોડિયાર આશ્રમ-દરેડ, મહંતશ્રી  બાદલનાથ બાપુ-આદેશ આશ્રમ હીરાણા તેમજ  ભવનાથ મહાદેવ આશ્રમ ભાયાસરના શ્રી વશિષ્ટનાથજી બાપુ, અવધૂત આશ્રમ જૂનાગઢના શ્રી મહાદેવગીરી બાપુ, રામળિયાના શ્રી દેવનાથજી બાપુ, નીલકંઠ મહાદેવ મંદિર-કરિયાણાના શ્રી સત્‍યનારાયણદાસ બાપુ, રોકડીયા હનુમાનજી આશ્રમ હીરાણાના શ્રી ગોપાલદાબાપુ, અલખધણી આશ્રમ ગલકોટડીના શ્રી ગોવિંદ ભગત, ગોપનાથ મહાદેવ મંદિર-દરેડના શ્રી ઘનશ્‍યામપરીબાપુ તેમજ શ્રી રામજી મંદિર દરેડના શ્રી રામદાસ બાપુ પણ ઉપસ્‍થિત રહેશે.(૩૦.૧૪)

ભૂખ્‍યાજનોની જઠરાગ્નિ ઠારતું માતુશ્રી જીવબાઈમાં અન્‍નપૂર્ણા ભોજનાલય

રાજકોટઃ દરેક સ્‍થિત ભક્‍ત શ્રી આપા હરદાસ-આપા મેરામની જગ્‍યા સ્‍થળે માતુશ્રી જીવબાઈમાં ભોજનાલય ધમધમી રહ્યું છે. અહી રોજ સેંકડો ભૂખયાજનોની જઠરાગ્નિ ઠારવાનો પ્રશંશનિય સેવા યજ્ઞ ચાલે છે. આવી અન્‍નસેવાનો લાભ લઈ અનેક લોકો સંતોષનો ઓડકાર ખાઈ રહ્યા છે. અહી સેવા આપતા તમામ નાના-મોટા અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો કોઈ પણ ભેદભાવ વગર અને નાનપ-મોટપ અનુભવ્‍યાં વગર સેવારત હોવાની વાતની સૌમાં સરાહના થઈ રહી છે.

ભકત શિરોમણી શ્રી આપા મેરામના જીવન ચરિત્ર પુસ્‍તકનું વિમોચન

રાજકોટઃ ભકત શિરોમણી શ્રી આપા  હરદાસ-આપા મેરામની જગ્‍યામાં અષાઢી બીજ મહોત્‍સવની ધામધૂમથી  ઉજવણી દરમિયાન ભક્‍ત શિરોમણી શ્રી આપા મેરામના જીવન ચરિત્ર પુસ્‍તકનું વિમોચન તા. ૧ના રોજ સવારે ૧૦ વાગ્‍યે પૂજય સ્‍વામીશ્રી ધર્મબંધુજી - પ્રાસલા, રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી(માર્ગ -મકાન અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ), ગુજરાત આહીર સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ નામી અનામી સંતોના હસ્‍તે થશે.

(3:26 pm IST)