સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી મંજુર કરેલ ૧૭૨ જેટલા વિકાસના કામો નવા પ્રમુખે બદલાવી નાખ્યા : કચ્છ કોંગ્રેસનો આક્ષેપ

બન્ને પ્રમુખ ભાજપના જ હોવા છતાંયે કામો રદ્દ કેમ કરાયા? કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને પૂર્વ જિલ્લા પ્રમુખ વી.કે.હુંબલના અણિયાળા સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તેમજ ગત બોડીએ સ્ટેમ્પ ડ્યુટી / રોયલ્ટી 

ગ્રાન્ટમાંથી ૧૭૨ જેટલા વિકાસના કામો દરેક તાલુકા વિસ્તારોમાં મંજુર કરેલ હતા. પરંતુ નવી બોડી આવતા તેમને આ તમામ કામો રદ્દ કરી અને પોતાની રીતે કામોમાં ફેરફાર કરી નાખેલ છે જેનું કારણ એવું આપવામાં આવે છે કે અગાઉના કામો ગાઈડલાઈન મુજબના ન હતા. પરંતુ અગાઉના જે કામો મંજુર થયેલ હતા જે પૈકી ઘણા કામો ગાઈડલાઈન મુજબના જ હતા જેમાં પાણીની લાઈન, ગટર, એલ.ઈ.ડી. લાઈટના કામો હતા જે કામો પણ રદ્દ કરી દેવામાં આવેલ છે. 

        બાકીના મંજુર કરેલ કામો સી.સી. રોડ અને પેવરબ્લોકના હતા પરંતુ આવા કામો પણ  ગાઈડલાઈનમાં આવે છે જેમાં ગામનો મુખ્ય એપ્રોચ રસ્તો બનાવવો હોય તો તે રસ્તો બનાવી શકાશે તેવું ગાઈડલાઈનમાં પણ છે જેથી ઘણા મંજુર કરેલ કામો ગાઈડલાઈન મુજબના જ એપ્રોચ રસ્તાના કામો હતા, જે પણ કોઈ પણ સમીક્ષા કર્યા વગર આવા કામો પણ રદ્દ કરી દેવામાં આવેલ છે. ગત બોડી પણ ભાજપની જ હતી, જીલ્લા પંચાયતના પ્રમુખ પણ ભાજપના જ હતા , તેમ છતાં આવા કામો રદ્દ કરતા પહેલા અગાઉના પ્રમુખ સાથે પણ પરામર્શ કરવામાં આવેલ નથી કે અગાઉ જે ગામોમાં કામો મંજુર થયેલ હતા તે જ ગામોમાં કામો બદલાવવાના બદલે જે કામો બીજા અન્ય ગામોમાં આ ગ્રાન્ટો ફાળવી દેવામાં આવેલ છે. આમ, ગત બોડીના પ્રમુખને પણ અપમાન ગણાય તેવું દેખાય છે.

        અગાઉના મંજુર થયેલ કામોમાં લખપત તાલુકાના ઘણા કામો મંજુર થયેલ હતા પરંતુ આ નવી બોડીએ લખપત તાલુકાનું એક પણ કામ આ ફેરફાર થયેલ કામોમાં લેવાયેલ નથી. આમ કરી લખપત તાલુકાને આ નવી બોડીએ અન્યાય કરેલ હોય તેવું દેખાય છે જેનું મુખ્ય કારણ એવું દેખાય છે કે લખપત તાલુકાના જીલ્લા પંચાયતના બન્ને સભ્યો કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા હોવાને કારણે આ વિસ્તાર સાથે અન્યાય કરેલ છે. 

        આ ફેરફાર થયેલ કામોમાં હાલના ચૂંટાયેલા સત્તાધીશો પોતાના તાલુકાઓમાં ગ્રાન્ટો લઇ ગયેલ હોય તેવું જણાય છે જેમાં સૌથી વધારે ગ્રાન્ટો નખત્રાણા, માંડવી, ભચાઉ તાલુકા ને મળેલ હોય તેવું જણાય છે. જેથી ખરેખર જીલ્લા પંચાયતના પદાધિકારીઓએ જીલ્લાનો સમતોલ વિકાસ થાય તે માટે દરેક તાલુકાઓને ન્યાય આપવો જોઈએ. તેવું વી.કે.હુંબલે જણાવ્યું છે.

(9:46 am IST)