સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

ભણેલા નહીં પણ ગણેલા જન પ્રતિનિધિ : અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા

સૌથી મોટા મત વિસ્‍તાર ધરાવતી રાજ્‍યની પ્રથમ બેઠક ૧. અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને વાંચતા લખતા આવડતુ નથી પણ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે છે સફળ !!

ભાજપના ઉમેદવાર વિશે રસપ્રદ માહિતી : મત વિસ્‍તારની રજૂઆત અને લોકસંપર્કમાં જેમને વડાપ્રધાન અને મુખ્‍યમંત્રી પણ જાગૃત પ્રજાકીય પ્રતિનિધિ ગણે છે : ચિત્રો રજુ કરીને વિધાનસભામાં કરે છે રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૨૬ : સામાન્‍ય રીતે ચુંટણી દરમ્‍યાન લોકોમાં થતી ચર્ચાઓમાં મુખ્‍યત્‍વે બે બાબતો હોય છે. (૧) પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરાય ત્‍યારે એ શિક્ષિત છે કે નહીં? (૨) જયારે બીજી વાત એ હોય છે કે ચુંટાયા પછી ઉમેદવાર દેખાતા નથી.ᅠ પરંતુ આજે વાત કરવી છે એક એવા ઉમેદવારની કે, જે વર્તમાન શિક્ષણની દ્રષ્ટીએ ભણ્‍યા નથી. પરંતુ લોકશાહીના પ્રતિનિધિ તરીકેની પરીક્ષામાં એ ગણેલા હોઈ ઉતીર્ણ છે.

ચુંટણીના આ માહોલમાં ઉમેદવારો વિશે અવનવી વાતો સાથેના સમાચારો વિશે જાણવાની સૌને ઉત્‍સુકતા રહે છે. ત્‍યારે આજે ‘અકિલા' પહોંચ્‍યું છે છેક પશ્ચિમી સરહદ ઉપર આવેલ લખપત તાલુકાના નાનકડા એવા કાતિયા ગામે. રાજયની પ્રથમ નંબરની બેઠક એવી કચ્‍છ જિલ્લાની ૧. અબડાસા વિધાનસભા બેઠકમાં આવતી આ વિસ્‍તાર છે. અબડાસા બેઠક અનેક રીતે વિશિષ્ટ છે. વિસ્‍તારની દ્રષ્ટિએ એ રાજયમાં સૌથી મોટો એરિયા ૨૦૦ કી.મી. માં અને ૪૬૦ ગામો વચ્‍ચે પથરાયેલી છે. અહીં ઉમેદવાર તરીકે ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા છે. ગત ૨૦૧૭ માં કોંગ્રેસ તરફે જીત્‍યા બાદ તેઓ ભાજપમાં ગયા અને પેટા ચુંટણીમાં ફરી જીતી ગયા. વર્તમાન ચુંટણીમાં ભાજપ એ ફરી એમને રીપીટ કર્યા છે.

પ્રદ્યુમનસિંહ જાડેજા એ લોકસંપર્ક દરમ્‍યાન દરેક વ્‍યક્‍તિને તેમનું નામ લઈને બોલાવે છે. તેમના ક્ષેમ કુશળ સમાચાર પૂછે છે. તે વચ્‍ચે ‘અકિલા'ના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતાં કહે છે કે, મે મારા મત વિસ્‍તારનો સતત પ્રવાસ કર્યો છે. અહીં જે ગામમાં હું જાઉં છું ત્‍યાં છેલ્લે ક્‍યારે ગયો હતો, અહીં ગામમાં શું કામો થયા? હજી એમની શું રજૂઆત છે? ગામમાં રહેતા લોકોના ઘેર લગ્ન અથવા મરણ દરમ્‍યાન હું ક્‍યારે ગયો હતો એ વિશે મારા પાસે તમામ માહિતી લખેલી હોય છે. હું ભણ્‍યો નથી પણ આ લખાણ માટે મારી પાસે સ્‍ટાફ રાખ્‍યો છે, જેમની મદદથી હું ડાયરીમાં તમામ નોંધ રાખું છે.

લોકોની રજૂઆતો આવ્‍યા બાદ સ્‍થાનિક વહીવટી તંત્ર, સરકાર સાથે પત્ર વ્‍યવહાર, કામ શરૂ થાય પૂર્ણ થાય એ અંગેની નોંધ. આમ મારી પાસે મારા કામનો હિસાબ સાથે જ હોય છે. પોતાની ડાયરી બતાવતા શ્રી જાડેજા કહે છે કે, પણ વર્ષ દરમ્‍યાન લગભગ ૧૧,૭૦૦ જેટલા લોકોને ઘેર હું ગયો છું. મૃત્‍યુ પામનારાઓને ત્‍યાં સાદડીમાં ગયો હોઉં તો એની નોંધ પણ મારી પાસે હોય છે.

વિધાનસભામાં પ્રદ્યુમનસિંહ જાડેજા ચિત્રો દ્વારા રજૂઆત કરે છે. રસ્‍તાઓ બિસ્‍માર હોય તો તેનું ચિત્ર, પાણીની સમસ્‍યા હોય તો એ દર્શાવતા ચિત્રો એ રીતે તેમની રજૂઆત જોઈએ તો જીવંત અને અસરકારક હોય છે. તેમના ઉમેદવારી પત્ર ભરતી વખતે રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ ખુદ હાજર રહ્યા હતા અને ગુજરાતની વર્તમાન ચૂંટણીનો ચુંટણી પ્રચાર પણ મુખ્‍યમંત્રીએ અબડાસાથી શરૂ કર્યો હતો.

આ પ્રસંગે જાહેરસભામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું કે, પ્રદ્યુમનસિંહ જાડેજા લોકોના પ્રશ્નો રજૂ કરવા માં સક્રિય છે. કામ જયાં સુધી મંજૂરી ન આપાય ત્‍યાં સુધી તેઓ મારી ચેમ્‍બરમાંથી પણ બહાર જતાં નથી. ચિટકીને બેસી રહે છે. તો, તાજેતરમાં જ ભુજમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના યોજાયેલા પ્રવાસ દરમ્‍યાન નરેન્‍દ્રભાઈએ એક માત્ર ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ જાડેજાને જ અલગ મળવા માટે પોતાનો સમય આપ્‍યો હતો. મત વિસ્‍તારની ચિંતા, મતદારો સાથેનો ઘરોબો અને ૪૬૦ ગામોમાં સતત લોકસંપર્ક રાખનાર પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના દિગ્‍ગજ નેતાઓની નજરમાં એક જાગૃત પ્રજાકીય પ્રતિનિધિ તરીકેનું સન્‍માન ધરાવે છે.

 

(10:55 am IST)