સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

ભાજપ સામે ઉગ્ર વિરોધ; પ્રચાર કરવા ગયેલા ધારી -બગસરાના ઉમેદવાર સામે જનતાએ બળાપો કાઢ્યો :સભા અધુરી છોડી પડી

ધારીના કાગદડી અને ખાંભાના દાઢિયાળી ગામમાં ખેડૂતોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈ વિરોધ નોધાવ્યો:ખરાબ રસ્તા સહિતના મુદ્દે લોકોએ ઘેરી જવાબ માગ્યો:જે.વી. કાકડિયાને સભા અધૂરી મૂકી જવાની ફરજ પડી

અમરેલી જિલ્લામાં આવેલી ધારી-બગસરા વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર જે.વી. કાકડિયાએ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ધારીના કાગદડી અને ખાંભાના દાઢિયાળી ગામમાં ખેડૂતોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈ વિરોધ નોધાવ્યો હતો તેમજ ખરાબ રસ્તા સહિતના મુદ્દે લોકોએ ઘેરી જવાબ માગ્યો હતો. ત્યારે જે.વી. કાકડિયાને સભા અધૂરી મૂકી જવાની ફરજ પડી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચારેબાજુ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી પોતાના સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે તેમજ ઉમેદવારો પણ પોતાના મતવિસ્તારમાં સતત પ્રવાસ કરીને જનસંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે. જોકે કેટલીક જગ્યાએ ઉમેદવારોને લોકોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાની ધારી-બગસરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાનો બે ગામમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, જેથી મત માગવા આવેલા ભાજપના ઉમેદવાર જનતાની માગો સાંભળી સભા છોડી ચાલ્યા ગયા હતા.

પ્રથમ ધારીના કાગદડી ગામમા સભા દરમિયાન વિરોધ શરૂ થયો હતો. ગ્રામજનોની રજૂઆતો અને પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ આવતું નહોતું. ચૂંટણી સમયે જ નેતાઓને ગ્રામજનો યાદ આવતા હોવાનું જણાવી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ વિકાસનાં કામો કર્યા હોવાનો સૂર ઉઠાવ્યો હતો. જોકે ગ્રામજનોએ અન્યાય બાબતે બળાપો કાઢી રહ્યા છે.

ધારીના કાગદડી ગામમા સભા શરૂ થતાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રચાર કરનારા જે.વી.કાકડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો. મોંઘવારીનો મુદ્દો, ગેસના બાટલાનો ભાવ વધ્યાનો મુદ્દો પણ અહીં સામે આવ્યો હતો. ચૂંટણી આવે એટલે આવી જાય પછી પાંચ વર્ષ સુધી દેખાતા જ નથી, એમ જણાવી ગ્રામલોકોએ વિરોધ કર્યો હતો. એને કારણે અહી ભાજપ નેતાઓને પ્રચાર સભા અધૂરી મૂકી જવાની ફરજ પડી હતી. ભારે વિરોધ વચ્ચે નેતાઓને રોષનો સામનો કરવો પડ્યો હતો.

(11:21 pm IST)