સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th September 2021

મોરબીમાં તસ્કરો માટે રેઢાપડ સમાન !! : મારૂતિ શોરૂમના વર્કશોપમાંથી ૧.૩૩ લાખની રોકડની ચોરી

ફરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા તસ્કરો નાઈટ પેટ્રોલીગ ફરી શંકાના ઘેરામાં.

મોરબી શહેર અને જીલ્લો તસ્કરો અને અસામાજિક તત્વો માટે રેઢું પડ બની ગયું હોય તેમ તસ્કરોને મરજી પડે તે સ્થળને મજા આવે ત્યારે નિશાન બનાવી ચોરીને અંજામ આપે છે તો પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો નિહાળ્યા કરે છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના પરફેક્ટ મારૂતિ શોરૂમના વર્કશોપમાંથી તસ્કરો ૧.૩૩ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા છે તો હવે આબરૂ લૂંટાયા બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી પંથકમાં ચોરીના વધુ એક બનાવની ફરિયાદની વિગતો જાણીએ તો મોરબીના શકત શનાળામાં રહેતા દેવદીપસિંહ દશરથસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજપર રોડ પર આવેલ પરફેક્ટ મારૂતિ શો રૂમના વર્કશોપમાં ગત તા. ૨૪ ના રાત્રીથી તા. ૨૫ ના સવાર દરમિયાન તસ્કરોએ શોરૂમના વર્કશોપની ઓફીસના દરવાજાના લોક તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડીને રોકડ રકમ રૂ ૧,૩૩,૦૦૦ ની ચોરી કરી ગયા છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં વાહનચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે વાહનચોરીના બનાવોમાં તો પોલીસ સમયસર ફરીયાદ પણ નોંધતી ના હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે વધુ એક ચોરીને અંજામ આપી તસ્કરોએ ખાખીને ખુલ્લો પડકાર ફેક્યો છે ત્યારે ખાખી આ પડકાર ઝીલીને તસ્કરોને કાયદાનું ભાન કરાવી સકે છે કે તસ્કરો બેફામ બની ચોરીને અંજામ આપ્યા જ કરશે તે જોવું રહ્યું.

(5:53 pm IST)