સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

મોરબીની સબ જેલ પણ અસલામત : જેલના કેદીઓએ કર્મચારી સાથે માથાકૂટ કરી

સબ જેલમાં હત્યાના આરોપીઓએ જેલ સ્ટાફ સાથે માથાકૂટ કરી શર્ટ ફાડી નાખ્યા

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સપ્તાહ પૂર્વે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી જોકે ગૃહમંત્રીની વિઝીટ બાદ પણ સ્થિતિમાં ખાસ ફર્ક પડ્યો હોય તેમ લાગતું નથી કારણકે મોરબીની સબ જેલમાં હત્યાના આરોપીઓએ જેલ સ્ટાફ સાથે માથાકૂટ કરી શર્ટ ફાડી નાખ્યાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ચકચારી હત્યા કેસમાં સબ જેલમાં રહેલા આરોપીઓએ જેલ સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી ગઈકાલે જેલમાં રહેલા આરોપીઓને મળવા સગાઓ આવ્યા હતા જોકે મુલાકાત ના હોવાથી જેલના સ્ટાફે ના પાડી હતી જેથી હત્યાના આરોપીઓએ ધમાલ મચાવી હતી અને ગેરવર્તન ચાલુ કર્યું હતું જેમાં આરોપીઓએ પોતાના માથા દીવાલમાં અથડાવવાનું ચાલુ કરતા જેલ સ્ટાફે અટકાવવા પ્રયત્ન કર્યો હતો ત્યારે પોલીસ પર હુમલાની કોશિશ કરાઈ હતી જે ઝપાઝપીમાં જેલ સ્ટાફના કપડા ફાડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે ગઈકાલે બનેલા બનાવ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેથી અનેક તર્ક વિતર્ક વહેતા થાય છે
જે બનાવ મામલે એ ડીવીઝન પીઆઈ એમ પી પંડ્યાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય માથાકૂટનો બનાવ બન્યો હતો જેમાં જેલ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે જોકે ફરિયાદ કરવામાં આવી નથી તો બનાવ મામલે જેલરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો નથી.

(11:37 pm IST)