સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

ગોંડલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કામગીરી છેલ્લા ત્રણ માસથી બંધ

આધાર કાર્ડ કઢાવવા માંગતા લોકોને પારાવાર મુશ્કેલી : કોંગ્રેસે સરકારી તંત્રને આડે હાથે લઇ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી:

ગોંડલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન લોકોને દેખાડવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત સમા આધાર કાર્ડ ની કામગીરી ગોંડલ તાલુકા સેવાસદનમાં છેલ્લા ત્રણ માસથી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય  શહેર કોંગ્રેસ દ્વારા સરકારી તંત્રને આડે હાથ લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીય એ જણાવ્યું હતું કે શહેર ઉપરાંત તાલુકામાંથી મોટાભાગના લોકો આધાર કાર્ડ કઢાવવા માટે  તાલુકા સેવાસદનમાં આવતા હોય છે  પરંતુ છેલ્લા ત્રણ માસથી  તાલુકા સેવાસદનમાં આધાર કાર્ડ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હોય મામલતદાર નકુમને આ અંગે ટેલિફોનિક પૂછવામાં આવતા તેઓ દ્વારા પણ ત્રણ મહિનાથી કામગીરી બંધ હોવાનું જણાવાયું હતું .

કામગીરી બંધ થવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય  શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં તાકીદે તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કાર્યવાહી શરૂ થાય તે અંગે ડેપ્યુટી કલેક્ટર , કલેક્ટર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવનાર છે,  કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો મુકવામાં આવી રહી છે ત્યારે  શહેર તાલુકામાં ત્રણ ત્રણ મહિનાથી આધાર કાર્ડ પણ લોકોને મળી રહ્યા નથી ખૂબ દુઃખ ની વાત કહેવાય તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ હતું.

(10:45 pm IST)