સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

એચડીએફસી બેંકમાં નોકરી અપાવવાના બહાને કેશોદની યુવતિ સાથે ઠગાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપ : એચડીએફસી બેંકમાં નોકરી અપાવવાના બહાને એક અજાણી સ્ત્રીએ કેશોદની યુવતિ સાથે ઠગાઇ આચરતા ચકચાર વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, કેશોદમાં માંગરોળ રોડ પર આવેલ રામવાડી વિસ્તારમાં રહેતી દૃષ્ટિબેન ધર્મેન્દ્રભાઇ ઠુંમર (ઉ.વ.ર૧) નામની યુવતિને ગત તા. ૧૭/૧૧ના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણી સ્ત્રીએ તેના મો. ૭ર૯૧૦ ર૩૭૧૩ ઉપરથી ફોન કરી એચડીએફસી બેંકમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી.

બાદમાં આ સ્ત્રીએ દૃષ્ટિ ઠુંમરના મોબાઇલમાં એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેની આઇડી યુવતિ પાસેથી મેળવી લઇ તેના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. ૪૯૧૦૦ની રોકડ ઉપાડી લઇ ઠગાઇ કરી હતી.

આ અંગે ગઇકાલે કેશોદની આ યુવતિએ ફરીયાદ કરતા પોલીસે અજાણી સ્ત્રી વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ કેશોદના પીઆઇ આર.એમ. વસાવા ચલાવી રહ્યા છે.

દાઝી જતા મોત

કેશોદ તાલુકાના બામણાસા-ઘેડ ગામના ભીમાભાઇ રામભાઇ કરંગીયા (ઉ.વ.૬૦) નું કોઇ કારણસર દાઝી જવાથી મૃત્યુ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 pm IST)