સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

બિલખા પાસે ૩૮ લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

મોડી રાત્રે સ્ટેટ વિજીલન્સ કાફલાનું મોટું ઓપરેશનઃ ૮૦૦ પેટી સાથે એકની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપઃ જુનાગઢનાં બીલખા પાસેથી મોડી રાત્રે સ્ટેટ વિજીલન્સનાં કાફલાએ ૮૦૦ પેટી દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢના લીલાખા વિસ્તારમાં વિદેશી દારૂની મોટા પાયે ફેરાફેરી થવાની હોવાની બાતમી મળતાં સ્ટેટ વિજીલન્સનાં કાફલાએ બીલખા આસપાસ વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન રાત્રીનાં બે વાગ્યાની આસપાસ લીલાખામાં ગેસ ગોડાઉન પાસેથી જીજે-૭પ-વાય-વાય ૭૭૦૬ નંબરનો ટ્રક પસાર થતાં વિજીલન્સને ટ્રક રોકી તલાશી લેતાં ટ્રકમાં કાળા કલરની તાડપત્રી નીચે ઢાંકેલ ૮૦૦ પેટી (૯૬૦૦ બોટલ) દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન ટ્રક ડ્રાઇવર નાસી છુટયો હોવાનું અને બીલખાનો રણજીત બસીયા નામનો શખ્સ હાજર મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ લખાય છે ત્યારે હજુ આ અંગે સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને વિજીલન્સ દ્વારા દારૂની ગણતરી કરી લીલાખા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

પકડાયેલા દારૂની અંદાજીત કિંમત રૂ. ૩૮.૪૦ લાખ હોવાનું જાણવા મળેલ છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

સ્ટેટ વિજીલન્સનાં આ ઓપરેશનથી દારૂની હેરાફેરી અને વેંચાણ કરતાં શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:53 pm IST)