સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ધોરાજીના રાષ્ટ્રભકત, દેશપ્રેમી મર્હુમ અબ્દુલ હબીબ મારફાણીના નામે ચોક અને માર્ગનું નામ આપવા માંગણી

બીજા વિશ્વયુધ્ધ સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ બેંક માટે એક કરોડ રૂપિયાની મૂડી અને સંપત્તિ આપી હતી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૫ : ધોરાજીના વતની અને રાષ્ટ્રભકત દાનવીર મરહુમ અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાણીની રાષ્ટ્રભકિત ધ્યાને લઇ ધોરાજીની ધરતીના પનોતા પુત્ર ગણી શકાય આથી તેમના નામે પોસ્ટ ઓફીસ પાસે ચોક અને માર્ગનું નામકરણ કરવા માટે પત્રકાર અને યુવા બ્રહ્મ અગ્રણી નયન કુહાડીયા તેમજ મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા દ્વારા ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને નગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

અનેક પુસ્તકોમાં જેમનો ઉલ્લેખ છે મર્હુમ અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાણી વર્ષો પૂર્વે બર્મા ખાતે સ્થિત થયા હતા. જયાં તેઓએ અનેક કંપનીઓ સ્થાપી અગ્રણી ઉદ્યોગકાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. તેમનો રાષ્ટ્ર પરત્વેનો પ્રેમ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે વિશેષ લાગણી ધરાવતા હતા. બીજા વિશ્વયુદ્ઘ સમયે નેતાજીને આર્થિક સહયોગની જરૂરિયાત ઉભી થતા એ સમયે આઝાદ હિન્દ બેંકમાં એક કરોડની રકમ અને સંપત્તિ નેતાજીને સુપરત કરી હતી. ૧૯૪૪ની સાલમાં નેતાજી સુભાસચંદ્ર બોઝે મારફાણીને 'સેવક-એ-હિંદ ના ઇલકાબથી નવાઝયા હતા. હાલ તેમના દૂરના સગા અને ઇતિહાસ કાર યુસુફભાઈ ચિતલવાળા ધોરાજીમાં વસવાટ કરે છે.

આ તકે વસોયા એ જણાવેલકે દેશભકત અને રાષ્ટ્રપ્રેમી મરહુમ અબ્દુલ હબીબ મારફાણી દેશનું અને ધોરજીનું ગૌરવ ગણાઈ જેથી તેમના નામનો માર્ગ જાહેર કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

(11:39 am IST)