સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

કોરોના કહેરઃ ભુજોડીમાં ૪૨, અબડાસામાં ૩૫ કેસ : કચ્છમાં બે દિ'માં ૧૯ની અંતિમ વિધિ

કચ્છથી મુંબઇ જવા ઇચ્છતાઓ ટેસ્ટ માટે હેરાન : મૃત્યુઆંકમાં લૂકા છૂપી : સ્થાનિકે ૧૨ કેસ છતાં સરકારી ચોપડે બધુ બરાબર ?: ભાવનગરમાં ૧૮ તથા મોરબીમાં નવા ૧૧ કેસ

રાજકોટ,તા. ૨૫: સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોનાથી ગતિ વધી રહી છે. ત્યારે કચ્છમાં તો અસમંજસ પ્રવર્તે છે. કચ્છમાં ૧૨, ભાવનગર -૧૮, મોરબીમાં ૧૬ કેસ નોંધાયા છે.

કચ્છમાં કોરોનાના મામલે અસંમજસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ કચ્છમાં કોરોનાના મામલે અસંમંજસભરી પરિસ્થિતિ પ્રવર્તે છે. સેમ્પલ ટેસ્ટિંગ માટે પુરતી વ્યવસ્થા હોવાના દાવા વચ્ચે મુંબઈ જવા ઇચ્છનારાઓ માટે આઈટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત હોઇ ટેસ્ટ કરાવવા ઇચ્છનારાઓને ટેસ્ટિંગ કીટ ખલ્લાસ થઈ હોવાના કારણો આપી તાલુકા મથકોએથી ભુજ જવા જણાવાયું હતું. ભુજમાં પણ એક જ દિવસમાં માત્ર ૧૫૦ જણાના જ ટેસ્ટ થઈ શકે છે, જેનો રીપોર્ટ બીજે દિ' અપાય છે. આમ, રોજિંદા ટેસ્ટ ઉપરાંત વધારાના ટેસ્ટ કરવા શકય ન હોઈ લોકોને ફરજિયાત ખાનગી લેબનો આશરો લઈ ખર્ચો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે, સરકારી ટેસ્ટ માટે હોસ્પિટલમાં એક દિ' દાખલ કરવા અંગે પણ લોકોમાં ભય હોઈ મુશ્કેલી વધી છે. આ મૂદ્દે તંત્રએ કોઈ પણ ખુલાસાઓ નહી કરતા લોકોની મુશ્કેલી વધી છે. દરમ્યાન નવા કેસ અને મોતના આંકડાઓ બાબતે પણ કચ્છમાં લુકાછુપી કરાતી હોવાના કોંગ્રેસના આક્ષેપ પછીયે પરિસ્થિતિ સુધરી નથી. અત્યારે છેલ્લાં બે દિ'માં ભુજના સ્મશાનમાં પ્રોટોકોલ પ્રમાણે ૧૯ જણાના અંતિમ સંસ્કાર કરાયા હોવાનું ચર્ચામાં છે. જયારે ભુજની નજીક ભુજોડી ગામે એક જ સંસ્થામાં ૪૨ જણા પોઝિટિવ હોવાનું જયારે ચુંટણી પછી અબડાસામાં ૩૫ કેસ નોધાયા છે. જોકે, સરકારી ચોપડે નવા ૧૨ કેસ સાથે મોતનો આંકડો ૭૧ પર સ્થિર છે. કુલ કેસ ૩૧૩૫ નોધાયા છે.

ભાવનગરમાં ૨૦ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામાવધુ ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૧૦૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧ તેમજ જેસર તાલુકાના કાત્રોડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૧૯ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૧૦૦ કેસ પૈકી હાલ ૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૯૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જેમાં નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૪ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૬ કેસો નોંધાયા છે તો વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૫૬૩ થયો છે જેમાં ૧૫૫ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૨૫૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(10:51 am IST)