સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

કચ્છમાં કોરોનાના મામલે અસંમંજસ: મુંબઈ જવા ઇચ્છનારાઓ ટેસ્ટ માટે હેરાન, સ્થાનિકે વધતાં કેસ, મોતને મામલે આંકડાઓમાં લુકાછૂપી :બે દિ'માં ૧૯ મૃતદેહના અંતિમ સંસ્કાર, ભુજોડી અને અબડાસામાં કેસ વધ્યા, ટેસ્ટ માટેની કીટ ખુટી પણ સરકારી ચોપડે બધું બરાબર

 (વિનોદ ગાલા દ્વારા ભુજ) :::કચ્છમાં કોરોનાના મામલે અસંમંજસભરી પરિસ્થિતિ પ્રવર્તે છે. સેમ્પલ ટેસ્ટિંગ માટે પુરતી વ્યવસ્થા હોવાના દાવા વચ્ચે મુંબઈ જવા ઇચ્છનારાઓ માટે આઈટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત હોઇ ટેસ્ટ કરાવવા ઇચ્છનારાઓને ટેસ્ટિંગ કીટ ખલ્લાસ થઈ હોવાના કારણો આપી તાલુકા મથકોએથી ભુજ જવા જણાવાયું હતું. ભુજમાં પણ એક જ દિવસમાં માત્ર ૧૫૦ જણાના જ ટેસ્ટ થઈ શકે છે, જેનો રીપોર્ટ બીજે દિ' અપાય છે. આમ, રોજિંદા ટેસ્ટ ઉપરાંત વધારાના ટેસ્ટ કરવા શક્ય ન હોઈ લોકોને ફરજિયાત ખાનગી લેબનો આશરો લઈ ખર્ચો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે, સરકારી ટેસ્ટ માટે હોસ્પિટલમાં એક દિ' દાખલ કરવા અંગે પણ લોકોમાં ભય હોઈ મુશ્કેલી વધી છે. આ મૂદ્દે તંત્રએ કોઈ પણ ખુલાસાઓ નહી કરતા લોકોની મુશ્કેલી વધી છે. દરમ્યાન નવા કેસ અને મોતના આંકડાઓ બાબતે પણ કચ્છમાં લુકાછુપી કરાતી હોવાના કોંગ્રેસના આક્ષેપ પછીયે પરિસ્થિતિ સુધરી નથી. અત્યારે છેલ્લાં બે દિ'માં ભુજના સ્મશાનમાં પ્રોટોકોલ પ્રમાણે ૧૯ જણાના અંતિમ સંસ્કાર કરાયા હોવાનું ચર્ચામાં છે. જ્યારે ભુજની નજીક ભુજોડી ગામે એક જ સંસ્થામાં ૪૨ જણા પોઝિટિવ હોવાનું જ્યારે ચુંટણી પછી અબડાસામાં ૩૫ કેસ નોધાયા છે. જોકે, સરકારી ચોપડે નવા ૧૨ કેસ સાથે મોતનો આંકડો ૭૧ પર સ્થિર છે. કુલ કેસ ૩૧૩૫ નોધાયા છે.

(10:53 am IST)