સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

પોરબંદરમાં પૂ.ગાંધીજીનો જન્‍મ થયો તે જુની બાંધણીના મકાનનો પ્રથમ માળ ગમે ત્‍યારે બેસી જાય તેવુ જોખમ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રપ : રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજીનો જન્‍મ થયો તે જૂની બાંધણીનું મકાન કિર્તિમંદિરનો પ્રથમ માળ જર્જરિત થયેલ છે અને આ પ્રથમ માળ ગમે ત્‍યારે બેસી જાય તેવું જોખમ વધ્‍યું છે.

પૂ.ગાંધીજીના જન્‍મ સ્‍થળ કિર્તિમંદિરની જાળવણી પુરાતત્‍વ ખાતા હસ્‍તક છે. ત્‍યારે કિર્તિમંદિરના બહારના ભાગમાં નિયમિત વ્‍હાઇટવોશ કરાય છે ત્‍યારે મકાનની અંદરનો  કેટલોક ભાગ જર્જરિત થયો છે ગાંધીજીનો જન્‍મ થયો તે જુની બાંધણીવાળા મકાનનો પ્રથમ માળ જર્જરિત થયેલ છે ત્‍યારે પુરાતત્‍વ ખાતાએ આ પ્રથમ માળે યાંત્રીકોને જવા માટે બંધ કરી દઇને સંતોષ માન્‍યો છે.

પૂ. ગાંધીજીના જન્‍મસ્‍થળના મકાનનો પ્રથમ માળ બેસી જાય તો મકાનના અન્‍ય ભાગને નુકસાન થાય તેવો ભય છે. વહેલીતકે આ મકાનની પુરાતત્‍વ ખાતા દ્વારા મરામત થાય અને પૂ.ગાંધીજીના જન્‍મ સ્‍થળના મકાન જળવાય રહે તેવા પ્રયત્‍નો કરવા માગણી ઉઠી છે.

(1:36 pm IST)