સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

કચ્છના દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ મળ્યું:ડ્રગ્સના પેકેટ વેચવા નીકળેલા 2 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપ્યા

પૂછપરછમાં આ બંને શખ્સોને દરિયામા માછીમારી દરમિયાન ડ્રગ્સ મળ્યું હોવાનું ખુલ્યું

ગુજરાતનો દરિયા કિનારી  ડ્રગ્સનો અવારનવાર જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવાં સંજોગોમાં આજે ફરી એક વાર કચ્છ વિસ્તારમાંથી ડ્રગ્સના 1 પેકેટ સાથે 2 શખ્સો પોલીસ ઝપટે ચડયા હતા. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ડ્રગ્સકાંડના મોટા માથાઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

ફરી એક વખત કચ્છમાં દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે. અબડાસાના દરિયાકાંઠેથી ડ્રગ્સનુ 1 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર સાબદું બન્યું છે. પશ્ચિમ ક્ચ્છ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં નજરે ચડયા હતા. જેને લઈને પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે તલાશી લેતા તેના કબ્જામાંથી ડ્રગ્સનુ 1 પેકેટ ઝડપાયુ હતું.

પશ્ચિમ ક્ચ્છ SOG દ્વારા આરોપીની કરાયેલી પૂછપરછમાં આ બંને શખ્સોને દરિયામા માછીમારી દરમિયાન ડ્રગ્સ મળ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પેકેટને વેચવા નીકળ્યા હતા જે વેળાએ બન્ને આરોપીઓ પોલીસ ઝપટે ચડયા હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસે આ બંનેની અટકાયત કરી વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત ક્ચ્છ સરહદ પર આવેલ શેથવારા બેટ નજીકથી પણ વધુ એક બિનવારસુ હાલતમાં ડ્રગ્સ મળી આવ્યુ હતું. BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન ડ્રગ્સનું પેકેટમળી આવ્યું હતુ. જેને લઇને ડ્રગ્સના શંકાસ્પદ પેકેટને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

(12:37 am IST)