સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મહાશિવરાત્રી મેળા અંગે રાજ્ય સરકાર વહેલી તકે નિર્ણય લ્યે જેથી સાધુસંતો તૈયારીઓ કરી શકે : ઇન્દ્રભારતી બાપુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : આગામી ૨૫ ફેબ્રુઆરી મહાશિવરાત્રી મેળાનું ધ્વજારોહણ સાથે પ્રારંભ વિધીવત રીતે કરવામાં આવે છે અને તા.૧ માર્ચ ના રોજ મહાશિવરાત્રી હોય ત્યારે વર્તમાન કોરોના મહામારીને લઇને મહાશિવરાત્રી મેળો યોજવો કે કેમ તે અંગે રાજ્ય સરકાર વહેલી તકે નિર્ણય લ્યે.

ગિરનાર સંત મંડળના અધ્યક્ષ પૂ.ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે હવે ખૂબ જ ટૂંકો ગાળો હોવાથી મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ આયોજન કરવું કે કેમ તે અંગે સરકાર વહેલી તકે નિર્ણય લઇ અને જાહેરાત કરે તે અતિ જરૂરી છે જેથી સાધુ સંતો આશ્રમોમાં આયોજન થઇ શકે.

પૂ. ઇન્દ્રભારતીબાપુએ વધુમાં જણાવેલ કે આ મહાશિવરાત્રી મેળામાં નાના મોટા અને ધંધાર્થી પેટીયુ રળવા રોજગારી માટે આવે છે. અને અંદાજે રૂ.૨૦૦ કરોડનું ટર્ન ઓવર થાય છે ત્યારે નાના મોટા ધંધાર્થીઓને ધ્યાને લઇ સરકારશ્રીએ વિચારણા કરવી જરૂરી છે. તે માટે શકય તેટલો વહેલો નિર્ણય લેવા સાધુ સમાજ વતી પૂ.બાપુએ માંગણી કરી છે.

ઉપરાંત શિવરાત્રીમાં સાધુની રવેડી રૂટ ઉપર જ્યારે પસાર થાય છે ત્યારે ધ્વજાને અવરોધરૂપ થતા કેબલ સ્ટ્રીટ લાઇટો કેમેરાથી ઘણી વખત શોટ સર્કિટ થવાની શકયતાઓ રહે છે. અને અનાયસે ધ્વજા પડે તો ભાગદોડ થાય છે એ અંગે તકેદારી રાખવા અંગે તંત્ર સમક્ષ માંગણી કરી છે.

(1:11 pm IST)