ઉના પાસે કાર પલટી મારી જતા યુવાનનું મૃત્યુ
ઉના, તા. ૨૪ :. નજીકના માઢ ગામ ફાટક પાસે મોટર કાર પલટી મારી જતા રાકેશકુમાર રામપ્રસાદ નામના યુવાનનું મોત નિપજ્યુ હતું. અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયેલ છે.
ઉના-કોડીનાર નેશનલ હાઈવે રોડ ઉપર ઉનાથી ૧૪ કિ.મી. દૂર માઢ ગામના ફાટક પાસે દિવથી પરત આવતા મોટર કાર નં. જીજે ૦૩ એલઆર ૯૮૨૭માં રૂપેશભાઈ જગદીશભાઈ કામળીયા રહે. રાજકોટવાળાએ બેફીકરાઈ અને પૂરઝડપે ચલાવતા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા મોટર પલ્ટી મારી જતા તેમા બેઠેલ તેમના મિત્ર રાકેશકુમાર રામપ્રસાદ સિંગ રે. તાડપર પોસ્ટ તેમહાડા જી. નાલંદા રાજ્ય બિહારવાળાનું ગંભીર ઈજા થવાથી મોત થયુ હતું.
અકસ્માતમાં બીજા મિત્ર રામપ્રકાશ રામલખન સિંગને શરીરમાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે રૂપેશભાઈ જયેશભાઈ કામળીયા રે. રાજકોટવાળાને પણ ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ છે. આ અંગે ઉના પોલીસમાં મુકેશ રામપ્રસાદ સીંગ (કુશવાડા) રે. તાડધર પોસ્ટ તેલહાડા નાલંદા રાજ્ય બિહારવાળાએ મોટર કાર ચાલક રૂપેશ કામળીયા રે. રાજકોટસામે બેદરકારીથી મોટર ચલાવી અકસ્માત કરી ભાઈનું મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવી હતી.