સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

કોરોનાને કારણે બંધ લીલી પરિક્રમાની ધાર્મિક પરંપરા જાળવવા માત્ર પૂજનવિધિ જ કરાશે

પૂજનવિધી પૂર્ણ થયા બાદ પરિક્રમા રૂટ પર કોઇ નહિ જાય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.ર૪ : કોરોનાને કારણે બંધ રહેલ લીલી પરિક્રમાની ધાર્મિક પરંપરા જાળવવા માત્ર પૂજન વિધી જ કરાશે અને પૂજા પૂર્ણ થયા બાદ પરિક્રમા રૂટ પર કોઇ જ નહિ જાય.

દર વર્ષે કારતક સુદ-૧૧ની મધરાતથી ગરવા ગિરનાર ફરતે યોજાતી ગિરનાર પરિક્રમા આ વર્ષે બંધ રાખવામાં આવી છે. હાલ કોરાના સંક્રમણ વધી રહ્યું હોય જેથી ચાલુ વર્ષે લીલી પરિક્રમા ન યોજવા તંત્રએ નિર્ણય કર્યો છે.

દરમ્યાન ગઇકાલે કલેકટર ડો. સૌરભ પારધી સહિત અધિકારીઓ, મેયર ધીરૂભાઇ ગોહેલ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો-મહંતો વગેરેની ઉપસ્થિતમાં એક બેઠક યોજાઇ હતી.

જેમાં લીલી પરિક્રમા ન યોજવા તેમજ પરંપરાગતા માટે માત્ર પૂજન વિધિ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ.

આમ આગામી ગુરૂવાર કારતક સુદ અગિયારસની રાત્રીના ૧ર કલાકે પરિક્રમાની પરંપરા જાળવવા સાધુ-સંતોની ઉપસ્થિતીમાં માત્ર પૂજન-અર્ચના કરવામાં આવશે. પૂજા વિધી પૂર્ણ થયા બાદ પરિક્રમના રૂટ પર કોઇ જશે નહિ.

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ ચાલુ વર્ષે કોરોનાના કારણે પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. લોકોએ આવવું નહિ તેવી અપીલ કરીને જણાવેલ કે છતાં કોઇ પરિક્રમા કરવા આવશે તો તેને પરિક્રમા રૂટ  પર પ્રવેશ આપવામાં નહિ આવે.

(1:28 pm IST)