સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

મોરબીના ઉંચી માંડલ પાસે ફાયરીંગ કરી મોબાઇલ શોપમાં લુંટ કરનાર બંને પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૩: મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક ગઇકાલેે મોબાઈલ શોપમાં ગ્લાસ નંખાવા આવેલા બે હિન્દીભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા ૨૫ હજારની લૂંટ ચલાવી હતી. આ બન્ને આરોપીઓ પકડાય ગયા છે. હાલ તેઓની પૂછપરછ  ચાલુ છે.

મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ મોબાઈલ સિટી પલ્સ નામની મોબાઈલ શોપમાં બે શખ્સો ઘુસ્યા હતા. મોબાઈલ શોપમાં ઘુસેલા આ શખ્સોએ પ્રથમ મોબાઈલ ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાનીધારી શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદુક તાકી હતી. વધુમાં બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા ૨૫ હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. જો કે બાદમાં લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ દુકાનદાર જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં પીઆઇ વિરલ પટેલના જણાવ્યા અનુસાર બન્ને આરોપીઓ ઝડપાઇ ગયા છે. બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(1:04 pm IST)