સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

મોરબી નગરપાલિકામાં સતત વીજ ધાંધિયાથી કામગીરી પર માઠી અસર:

જનરેટર સુવિધા ન હોવાથી વીજળી ગુલ થતા તમામ સિસ્ટમ બંધ: ઘણીવાર કલાકો સુધી વીજપુરવઠો ઠપ્પ રહેતા લોકોને ઘરમના ધક્કા

મોરબી નગરપાલિકા કચેરીને હમણાંથી વીજ ધાંધિયાની સમસ્યા ભારે સતાવી રહી છે. સતત વીજળી ગુલ થતી હોવાથી નગરપાલિકાની તમામ કામગીરી ઉપર માઠી અસર સર્જાઈ છે. ઘણીવાર કલાકો સુધી વીજપુરવઠો ઠપ્પ રહેતા લોકોને ઘરમના ધક્કા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.
મોરબી નગરપાલિકા કચેરીમાં છેલ્લા કેટલાક પાવર સતત આવ-જા કરે છે. અગાઉથી જાણ કર્યા વગર જ પીજીવીસીએલ તંત્ર મનમાની ચલાવીને ઘણીવાર કલાકો સુધી વીજળી ગુલ કરી નાખે છે. ઘણીવાર 3-4 કલાક સુધી વીજળી ખોરવાઈ જાય છે. ઉપરથી આવડી મોટી સરકારી કચેરીમાં જનરેટરની સુવિધા ન હોવાથી વીજળી ગુલ વખતે નગરપાલિકાની તમામ સિસ્ટમ બંધ થઈ જાય છે. હવે મોટાભાગની કામગીરી ઓનલાઈન જ થાય છે. આથી પાવર ફરી ન આવે ત્યાં સુધી દૂર દૂરથી આવેલા લોકોને જન્મ મરણના દાખલા કે અન્ય કામગીરી માટે રાહ જોવી પડે છે. સતત વીજળી ગુલ રહેતા લોકોની સાથે અધિકારીઓ અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

(11:43 pm IST)