સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

મોરબીમાં યુવતીનો પુર્વપ્રેમી ઘર પાસે આવતા પરિવારજનોએ લમધારી નાખ્યો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૪ : મોરબીમાં યુવતીનો પૂર્વ પ્રેમી પ્રેમિકાના ઘર પાસે રામામંડળ જોવા આવ્યો હતો. જે યુવતીના પરિવારજનોને સારૃ નહી લાગતા યુવકને લમધારીને જાનથી મારવાની ધમકી  આપતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ફરિયાદી મહેશભાઇ દયારામભાઇ પરમારે યુવતીના પરિવારજનો સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યાં મહેશભાઇએ જણાવ્યું હતું કે, તેને સુરેશભાઇની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હોય જેની જાણ સુરેશભાઇને થતા તેને આ પ્રેમ સંબધ મંજુર ન હોય, જેથી હવે પછી સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થયેલ હોય થયું હતું.

 આ ઘટના બાદ ગતતા. ૨૩ ના રાત્રીના મહેશભાઇ કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હોય જે જોવા માટે ગયેલ હોય જેથી આરોપીઓને સારૃ નહી લાગતા આ કામના આરોપીઓએ  ''અમારા ઘર બાજુ કેમ આવેલ છો'' તેમ કહી મહેશભાઇને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા જેરામભાઇએ મહેશભાઇને પટ્ટા વતી વાસાના ભાગે માર મારી આખા શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. અને  જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુઁ તેવી ધમકી આપી હતી.જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:39 pm IST)