વઢવાણના કટુડામાં અશોક સુમેરા પર હર્ષદ, ભુપેન્દ્ર અને કુલદિપનો હુમલો
ડિઝલ લઇને આવતી વખતે હર્ષદે નશાની હાલતમાં ચાલુ બાઇકમાં પાટા માર્યા પછી ઘરે આવી હુમલો કર્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૨૪: વઢવાણના કટુડા ગામે રહેતાં અશોક હીરાભાઇ સુમેરા (ઉ.૪૦) નામના યુવાન પર તે પોતાના ઘર પાસે ટ્રેકટરમાં ડિઝલ પુરતો હતો ત્યારે હર્ષદ, ભૂપેન્દ્ર, કુલદીપ સુમેરા સહિતના કુટુંબીઓએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી.
અશોકના કહેવા મુજબ પોતે બાઇકમાં ડિઝલનું કેન લટકાવીને ડિઝલ લઇને ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં હર્ષદ નશો કરેલી હાલતમાં મળતાં તેણે ચાલુ બાઇકે પાટા મારતાં પોતે પડતો પડતો બચી ગયો હતો. આ બાબતે ઠપકો આપી ઘરે આવી ટ્રેકટરમાં ડિઝલ પુરી રહ્યો હતો ત્યારે હર્ષદ બીજા શખ્સોને લઇને આવ્યો હતો અને હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપ અંગે તપાસ હાથ ધરી છે.