સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ધ્રોલમાં ૬ પશુઓમાં લમ્‍પી વાયરસના લક્ષણો દેખાયા

ચેપ ફેલાતો અટકાવવા માટે સંપર્કમાં આવેલા પશુઓને રસીકરણ કરાશે : પશુપાલન વિભાગમાં દોડધામ

ધ્રોલ તા. ૨૪ : દેવભુમિ દ્વારકા જીલ્લા બાદ જામનગર જીલ્લામાં પશુઓમાં લમ્‍પી વાયરસ ફેલાઈ રહયો હોવાનું બહાર આવ્‍યુ છે અને આ વાયરસ ધ્રોલ શહેર તથા તાલુકામાં સામે આવ્‍યો પશુપાલન વિભાગ પગલા ભરવાના દાવા કરવામાં આવી રહયા છે.

મળતી વિગત મુજબ દેવભુમિ દ્વારકા જીલ્લામાં પશુઓમાં ખાસ કરીને ૨૮૫ જેટલી ગાયોમાં લમ્‍પી વારયસના કેશ નોંધાયા છે અને આ વાયરસના લીધે ૧૦ ગાયોનો ટપોટપ મોત નિપજયા હોવાનું સામે આવ્‍યુ છે ત્‍યારે જામનગર જીલ્લામાં પણ આ પશુઓમાં જોવા મળતો લમ્‍પી વાયરસનો રોગચાળો ફાટી નીકળ્‍યો હોય તેમ ધ્રોલ શહેરમાં તથા તાલુકામાં લમ્‍પી વાયરસનો રોગચાળો જોવા મળ્‍યો છે.

જામનગર જીલ્લામાં જોવા મળતો લમ્‍પી રોગ ધ્રોલ તાલુકામાં ફેલાઈ રહયો છે તેનું સમર્થન ધ્રોલ પશુચિકીત્‍સા અધિકારી કીશોર પરમારે પુષ્ટી આપી છે અને લમ્‍પી રોગના લક્ષણ ધરાવતા છ પશુઓમાં બહાર આવ્‍યુ છે અને આ રોગના સપર્કમાં આવેલ અન્‍ય પશુઓ માટે તાકીદે રસી મગાવવામાં આવી રહી હોય સત્‍વરે લમ્‍પી વાયરસની ઝપટમાં આવેલ પશુઓના સપર્કમાં રહેતા અન્‍ય પશુઓને આ રસી મુગવામાં આવશે તેવુ કીશોર પરમારે જણાવ્‍યુ હતુ.

વધુમાં મળતી વિગત મુજબ ધ્રોલ શહેરમાં લમ્‍પી વારયસ ધરાવતા પશુઓમાં બે પશુઓ મનસુખભાઈ પરમારના અને ચાર પશુઓ અનીલભાઈ પરમારના હોવાનું બહાર આવ્‍યુ છે જયારે બીનસતાવાર રીતે લતિપુરમાં લમ્‍પી જોવા મળી રહ્યો છે.. અને આ રોગ ઝડપથી ફેલાઈ રહયો હોવાનું પણ કહેવાય રહયુ છે ત્‍યારે ધ્રોલ સિવાય અન્‍ય જગ્‍યાએ લમ્‍પી વાયરસના લક્ષણ ધરાવતા પશુઓની જાણકારી ધ્રોલ પશુ ચિકીત્‍સા અધિકારી કીશોર પરમારે ઈન્‍કાર કર્યો છે.

ધ્રોલમાં પશુઓમાં જોવા મળતો લમ્‍પી વાયરસના રોગચાળામાં મુખ્‍યત્‍વે પશુઓમાં શરીર પર મોટા ફોડલા થવા, પગલમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ના લેવો, પશુઓ લાંબા સમય સુધી સ્‍થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે, જો આવા લક્ષણ પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી અને સત્‍વરે પશુ ચિકીત્‍સા અધિકારીને જાણ કરવાથી આ જીવલેણ વારયસથી પશુઓને બચાવી શકાય છે.

આમ ધ્રોલ શહેર તથા તાલુકામાં લમ્‍પી વારયસ રોગચાળો વકરતો હોવાના સમાચાર વાગુવેગે ફેલાતા માલધારી તથા પશુપાલકો તેમજ પશુઓ ધરાવતા ખેડુતોમાં ચિંતા જન્‍મી છે તેની સામે પશુપાલન વિભાગ પણ હરકતમાં આવીને આ રોગની રસી મંગાવીને સત્‍વરે પશુઓમાં રસીકરણ હાથ ધરવા માટે કવાયત તેજ કરી છે. (તસ્‍વીર - અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(11:26 am IST)