સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ભરઉનાળે શિંગોડા ડેમના દરવાજા ખોલાયા : ખેડૂતોમાં હરખની હેલી: પિયત આપી શકશે

શિંગોડા ડેમમાંથી પાણી છોડતા વીસથી વધુ ગામો અને કોડીનાર શહેર સહિત વિસ્તારોમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો

કોડીનાર :  સરકારે સોમનાથ પંથકના અન્નદાતાની ફિકર કરી અને શિંગોડા ડેમના દરવાજા ખોલતા આ વિસ્તારની નદીઓ કાળઝાળ ગરમીમાં ખડખડ વહેવા લાગી છે. ચેકડેમ છલાકાયા છે અને ખેડૂતોના ચહેરા મલકાયા છે. ગીર સોમનાથના ગીર જંગલમાં આવેલા શિંગોડા ડેમના દરવાજા ખોલાતા ભર ઉનાળે શિંગોડા નદીમાં ભારે પુર આવ્યું છે. નદી ફરીથી વહેતી થતાં ખેડૂતોના કૂવા રિચાર્જ થશે તો હજારો ખેડૂતોના ઉનળું પાકને મોટો ફાયદો થશે. નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તેથી નદીના કિનારા વિસ્તારના તમામ ગામડાંનાં ખેડૂતોની ખુશીઓનો પાર રહ્યો નથી.

ઉનાળામાં આ પંથકની નદીઓ સુકાઈ ગઈ હતી. જે કારણે આ પંથકના ગામડાઓમાં સિંચાઈના અને પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હતી. કુવાઓના તળ પણ નીચા ગયા હતા અને કુવાના પાણી તળિયા જાટક થઈ ગયા હતાં. ત્યારે હવે નદીઓમાં ફરી નીર આવતા મુરજાતા પાકને નવું જીવન મળશે. સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે . શિંગોડા ડેમમાંથી પાણી છોડતા વીસથી વધુ ગામો અને કોડીનાર શહેર સહિત વિસ્તારોમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ખેડૂતો ઉનાળુ પાકને પિયત આપી શકશે. આગામી ચોમાસા સુધી અહીં પાણીનું કોઈ સંકટ ઉભું થશે નહીં અને ઉનાળુ પાક બચી જવાથી આ વિસ્તારમાં ખેડૂતો પર આર્થિક ફટકો પણ નહીં પડે.

(12:45 am IST)