સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

પાણી સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ કેબિનેટમંત્રીનો ઉધડો લીધો : સ્થાનિકોના રોષને પગલે કુંવરજીભાઇ બાવળીયાએ ચાલતી પકડી

લોધિકાના પારડી ગામે સ્થાનિક મહિલાઓએ મંત્રીને સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, ખાત મૂહુર્ત કર્યા બાદ કામ ક્યારે પૂરુ થશે અને અમને ક્યારે પાણી મળશે?

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની  તારીખો જાહેર થવાની સાથે જ તમામ પાર્ટીઓ હરકતમાં આવી ગઈ છે. મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં ચૂંટણી પૂર્વે અનેક પ્રોજેક્ટોની જાહેરાતથી કંટાળેલી પ્રજાએ હવે ચૂંટણી ટાણે જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. જેમાં રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયાને સ્થાનિકોની  નારાજગીનો ભોગ બનાવાનો વારો આવ્યો છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા પારડી ગામે પહોંચેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કુંવરજી બાવળિયા પારડીમાં પાણી યોજનાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓ મંત્રીના મંચ તરફ ધસી ગઈ હતા.

 

સ્થાનિક મહિલાઓએ મંત્રીને  સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, ખાત મૂહુર્ત કર્યા બાદ કામ ક્યારે પૂરુ થશે અને અમને ક્યારે પાણી મળશે? મહિલાઓના પ્રશ્નોની મંત્રી પણ મૂંઝાયા હતા અને તેમણે ખાતરી આપી હતી કે, આગામી 6 મહિનામાં કામગીરી પૂરી થઈ જશે. જો કે સ્થાનિકોના રોષને જોતા મંત્રીએ ચાલતી પકડી હતી.

(5:37 pm IST)