સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd July 2021

ખોરાસાના ત્રણ મિત્રોએ ૨૦૦ જેટલા વૃક્ષ ઉછેરી હનુમાનજી મંદિરના પટાંગણને નવપલ્લવીત કર્યું

ખોરાસાના વૃક્ષપ્રેમી ત્રણ મીત્રોએ વાવેલા ત્રણ હજાર છોડ આવે વટવૃક્ષ બન્યા

જૂનાગઢ તા.૨૩: તીરૂપતી મંદિરથી પ્રસિધ્ધ ખોરાસા(આહીર) ગામના ત્રણ મીત્રોએ સાબલી ડેમ પાસે સ્થિત હનુમાનજી મંદિરને રણીયામણુ બનાવવાનો સંકલ્પ લીધો. આ સંકલ્પ તેમણે મંદિરના પટાંગણમાં ૨૦૦ જેટલા વૃક્ષ વાવી સાર્થક કર્યો છે. થોડા વર્ષો પહેલા મંદિરના પટાંગણમાં વાવેલા લીમડા,પ્રાગવડ, આંબલી,  પીપળ, ઙ્ગઉંબરા જેવા વૃક્ષોથી મંદિરનું પટાંગણ નવપલ્લવીત થયું છે.

ખોરાસાના બટુકભાઇ ચાવડા વૃક્ષ વાવેતરના મુખ્ય પ્રણેતા છે. તેમને કમલેશભાઇ લુહાર અને રમેશભાઇ ભરવાડનો સાથ મળતા આ ત્રણેય વૃક્ષપ્રેમી મીત્રોએ ખોરાસામાં સ્મશાન,ઙ્ગજડેશ્વર મંદિર તેમજ વૃક્ષ વાવેતર માટે ખુલ્લી જમીન પસંદ કરી કુલ ૩૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વૃક્ષોના વાવેતરથી અટકી જવાને બદલે તેમણે રોપેલા આ છોડનુ જીવની જેમ જતન કરી આજે આ છોડ વટવૃક્ષ બન્યા છે. વૃક્ષ ઉછેરની પ્રવૃતિમાં ખોરાસા ગામની ગૌ શાળાના ગોવાળ સુખાભાઇ સોનારા પણ સહયોગી થયા હતા.

બટુકભાઇ ચાવડાને વૃક્ષોથી ખુબ પ્રેમ છે. તેમની વાત માંડતા કહ્યું કે,ઙ્ગવન વિભાગની નર્સરીમાંથી રોપા મળ્યા,ઙ્ગજંગલ ખાતાએ ખાડા બનાવવામાં સહયોગ આપ્યો. આટલો સહયોગ અમારા માટે ઘણો હતો. ઉનાળામાં અને જરૂર પડે ત્યારે નીયમીત પાણી આપ્યું. વૃક્ષોને પશુધન નુકશાન ના પહોંચાડે તેની કાળજી લીધી. બસ ચારથી પાંચ વર્ષ તકેદારી રાખી આજે સમગ્ર સ્મશાન અને મંદિર તેમજ જયાં પણ વૃક્ષો વાવ્યા છે તે તમામ સ્થળ રણીયામણા બન્યા છે.

બટુકભાઇ ચાવડાની વૃક્ષ ઉછેરની વાતથી પ્રેરાઇને ખોરાસાના યુવાનો પણ વૃક્ષ ઉછેર પ્રવૃતિમાં સામેલ થયા છે. ખોરાસાના યુવાનોએ તિરૂપતી યુથ કલબ બનાવી વૃક્ષ વાવેતર અને ઉછેર પ્રવૃતિ શરૂ કરી છે. ખોરાસાના ત્રણ વૃક્ષ પ્રેમી મીત્રોનું વિચારબીજ સૌ માટે પ્રેરણારૂપ છે.

(12:57 pm IST)