સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd May 2022

મોરબી: ભા૨તીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર, “ગ્રામ પંચાયત VCEની હડતાલનો તાત્કાલીક ઉકેલ લાવો”

મોરબી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી VCE ઓપરેટરોએ રાજ્ય વ્યાપી હડતાલ શરુ કરી છે. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ પણે બંધ થઈ ગઈ છે. આ મુદ્દે મોરબીના ભા૨તીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને લખવામાં આવ્યો છે. જેમાં તેમણે રજુઆત કરી હતી કે, ગ્રામ પંચાયત VCEની હડતાલનો તાત્કાલીક ઉકેલ લાવો
વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે, હાલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE તેઓના મંડળના આદેશ અનુસાર તા. ૧૧-૦૫-૨૦૨૨, બુધવારથી હડતાલ ઉપર છે. તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે સંતોષકારક કામગીરી બજાવે છે, તેઓ દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયત, ગ્રામ્ય અરજદારોના કામો તથા સરકારશ્રીની યોજનાઓના કાર્યો તેમજ સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલા અન્ય યોજનઓ, અન્ય કાર્યો પૂરી નિષ્ઠાથી કરે છે.
વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે,  વર્તમાન સમયમાં ખેડુતોને ધિરાણ ફેરવવાનો ખાતા બદલવાનો વારસાઇ એન્ટ્રી કે અન્ય ફેરફારો કરવાનો સમય હોય આ તકેની VCE મંડળની હડતાલ ખેડુતો માટે ખુબ હાલાકી રૂપ હોય આ બાબતે ત્વરિત નિરાકરણ આવે તેવી કિસાન સંઘની માંગણી છે. અમારા ધ્યાને એવુ પણ આવેલ છે મોટા ભાગના તાલુકા ઇ-ધરા સેન્ટરો પર સર્વર સ્લો ડાઉનના કારણે ખેડુતોના ૭-૧૨ ના ઉતારા મેળવવામા હાલાકી પડી રહિ છે તથા સેન્ટરો પર મોટી લાઇનો જોવા મળે છે તે સત્વરે નિકાલ થાય એવી અમારી વિનંતી છે

(11:49 pm IST)