સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd January 2018

ખંભાળીયામાં સાયકલ મહારેલી...પર્યાવરણ જાગૃતિનો પ્રસર્યો સંદેશો

દ્વારકા જિલ્લાની વિવિધ શાળાના ૩પ૦૦ વિદ્યાર્થીઓ, સીનીયર સિટીઝનો જોડાયાઃ પુર્ણાહુતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોએ સૌનુ મન મોહયુ

ખંભાળીયા તા.ર૩ : અહીયા દ્વારકા જિલ્લા પોલીસ સુરક્ષા એન્ડ સોસાયટી દ્વારા આજે પર્યાવરણ જાગૃતિ મહારેલી યોજાઇ હતી. જેમાં ૩પ૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પ્રાંત કચેરીએથી શ્રમિકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા, ભાજપ જિલ્લા પ્રમુખ પુર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડા, જિ.પં. વિપક્ષી નેતા મયુરભાઇ ગઢવી, તા.પં. પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ભાજપ શહેર પ્રમુખ મનુભાઇ મોટાણી, યુવા જિલ્લા ભાજપ પ્રમુખ પરબત ભાદરકાએ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. વિવિધ વિસ્તારોમાં ફરી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન થયુ હતુ.

પુર્ણાહુતિમાં વિશાળ સ્ટેજ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રીનાથજી શાળા, સાંદીપનિ શાળા, નવચેતન શાળા, આલ્ફા સ્કુલના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ રીતે પીરામીડ, સ્વાગત ગીત તથા અન્ય કાર્યક્રમો સાથે ચાર લેજીમ કંટ્રોલ્સના દાવ, યોગ અને હિતાર્થી જોશી દ્વારા કરાટેના દાવ પણ રજુ થયા હતા. સાથે-સાથે દેશભકિત ગીત પણ રજુ થયુ હતુ.

આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમની ઉપસ્થિતિમાં પોલીસ સુરક્ષા સેતુ એલસીબીની ટીમ સમીર સારડા તથા એસ.પી.ના કાર્યની પ્રશંસા થઇ હતી.

અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીઓ માટે ચા, બટેટા પવા, ઢોકળા, ગાંઠીયા, જલેબીનો નાસ્તો આપવામાં આશાપુરા કંપની ક્રેઇન ઇન્ડિયા, આઇઓસી, દાલમીયા કંપની, લાયન્સ કલબ ખંભાળીયા, એચડીએફસી બેંક તથા પરિશ્રમ ગ્રુપ એભાભાઇ કરમુર અને વિજયભાઇ રાજયગુરૂ, જગુભાઇ રાયચુરા, કિશોરભાઇ દત્તાણીએ સહયોગ આપ્યો હતો. તમામને ખાસ કેપ, લોગો અપાયો હતો.

આ તકે જામનગરથી ડો.ધવલ માંકડ, ડો.તપન મણીયાર, ડો.હિતેન ડાભી સહિતના આગેવાનો પણ સાઇકલો સાથે જોડાયા હતા. એવી જ રીતે મહેન્દ્રભાઇ મોટાણી, હસમુખભાઇ બામરોટીયા, કાંતિભાઇ કોટેચા, દિનેશભાઇ પોપટ સહિતના અનેક સીનીયર સીટીઝનો પણ રેલીમાં પ્રારંભથી અંત સુધી સાથે રહેતા તમામનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ. રેલીને સફળ બનાવવા દ્વારકા શહેરની વિવિધ હાઇસ્કુલના આચાર્યો, શિક્ષકો સહિત ગોપાલભાઇ નકુમ, ભરતભાઇ વાછાણી, નરોતમ સાકરીયા, એમ.ડી. કણઝારીયા, માર્કેન્ડેય જાની, અશ્વિન ભટ્ટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)