સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd May 2022

ભુજ તાલુકાના દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ડગાળા ગામની સીમમાં 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મોત

ભુજ તાલુકાના દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ડગાળા ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ સંક્રમિત હોવાથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદાજિત 15 દિવસથી આ વિસ્તારમાં ઘેટાં બકરામાં ભેદી રોગ ફેલાયો છે, જેના બચાવ માટે પશુઓને આગોતરી દવા કે રસી લેવડાવી જરૂરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ધાનેટી ગામના માલધારી રણછોડ ભાથી રબારીના એક સામટા ઘેટાં બકરા મૃત્યુ પામતા તેમને રૂ. 4થી 5 લાખની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. આ મુસીબતના કારણે માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મૂળ ભુજના ધાનેટી ગામના માલધારી રણછોડ રબારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ગામથી 5 કિલોમીટર દૂર ડગાળા ગામની સિમમાં તેઓ ઘેટાં-બકરાંને ચરિયાણ માટે લઈ આવેલા. પરંતુ 5 દિવસથી અચાનક ઘેટાં-બકરામાં રોગ લાગુ પડી જતા તે ટપોટપ મરી રહ્યા છે. જ્યારે 30થી 40 ઘેટાં બકરા ખાન-પાન અને હલનચલન ના કરી શકતાં મૃત્યુ તરફ જઈ રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં રૂ. 4થી 5 લાખનું નુકશાન થઇ ચૂક્યું છે અને હજુ વધુ નુકશાન સહન કરવું પડી શકે છે. ઝીણા માલના આધારે અમારો આખો પરિવાર નભે છે અને એજ છીનવાઈ જતા અમારા પર આભ તૂટી પડ્યું છે. અધૂરામાં મારા ભત્રીજાનું પણ ત્રણ દિવસ પૂર્વે અચાનક બીમાર પડ્યા બાદ મૃત્યુ થયા બાદ હવે માલના પશુઓના મોત થઈ રહ્યા છે.

આગળ જણાવતા માલધારીએ કહ્યું કે માલની દવા કરાવવા માટે તેમણે ડોક્ટર બોલાવ્યા હતા. અત્યાર સુધી 2 ડોક્ટર પાસે દવા કરાવી ચુક્યા છીએ, પરંતુ કોઈ ફરક પડ્યો હોય એવું દેખાતું નથી. તેમજ જે ઘેટાં બચી ગયા છે તેમને અલગ વાડામાં રાખ્યા છે. દરમિયાન લાખોન્દ ગામના ખાનગી પશુ ચિકિતસ્ક કરમસી રબારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી ઘેટાં બકરામાં સંક્રમક રોગ લાગુ પડ્યો છે. જેની આગોતરી રસી મુકાવી લેવી જોઈએ અથવા ઓરલ દવા લેવડાવી જોઈએ. દવા લેવડાવ્યા બાદ તેનો બચાવ થઈ રહ્યો છે એવું મારુ માનવું છે. જ્યારે જે ઘેટાં-બકરા મરણ પામ્યા છે તેના કારણો જાણવા ઘેટાં બકરાના લોહીના નમૂના લઈ તેની લેબોરેટરી કરવામાં આવ્યા બાદ જાણી શકાય. પરંતુ આ વિશે માલધારી વર્ગ દ્વારા કોઈ કામગીરી કરાઈ છે કેમ તે કહી શકાય નહીં.

અલબત્ત આહીર પટ્ટીના અમુક ગામના ઝીણા માલમાં ભેદી સંક્રમણ ફેલાઈ જતા ઘેટાં બકરાના નાક અને મોઢામાંથી સતત લાળ પડી રહી છે. આગળના બંન્ને પગ જકડાઈ જતાં ચાલવાનું બંધ થઈ જાય છે અને ડાયેરીયાના કારણે અશક્ત બની અંતે મોતને ભેટી રહ્યા છે. જેના બચાવ માટે સરકારી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી હોવાનું માલધારી વર્ગે જણાવ્યું છે.

(5:52 pm IST)