સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

મોરબી પાણી, સિંચાઈ સહિતના પ્રશ્‍ને રવિવારે પણ પ્રજા માટે કામગીરી કરતા રાજયમંત્રી

જનકલ્‍યાણની યાત્રામાં સમસ્‍યા બનતા પ્રશ્‍નો તાત્‍કાલિક નિવારવા અધિકારીઓને તાકીદ

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૧ : રવિવારે રજાના દિવસે પણ રાજયમંત્રી મેરજાએ મોરબી - માળીયાના પ્રજાના કલ્‍યાણ સાથે સીધા સંકળાયેલા પ્રશ્‍નો અને રજૂઆતો સાંભળી જિલ્લાના ઉચ્‍ચ અધિકારીઓને તમામ પ્રશ્‍નોનું ઝડપી તેમજ સચોટ નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

મોરબી જિલ્લામાં સામાન્‍ય નાગરિકોને કોઈ અગવડતા ન પડે, તેમને કોઈ સમસ્‍યાનો સામનો ન કરવો પડે તે માટે શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્‍વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગળહ નિર્માણ રાજ્‍યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્‍નશીલ રહ્યા છે ત્‍યારે ગઈકાલે રવિવારે સ્‍થાનિક અગ્રણીઓની રજૂઆતો સાંભળી રાજ્‍યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી- માળીયા વિસ્‍તારને લગતા સિંચાઇના કામો, ગ્રામ્‍ય માર્ગના હાલ પ્રગતિ હેઠળના કામો ઝડપી કરવા, મહેસુલી પ્રશ્‍નો, હોસ્‍પિટલ સંબંધિત આરોગ્‍યના વિવિધ પ્રશ્‍નો, શાળાઓના ઓરડા બાબત તેમજ શહેરી આવાસ યોજના વગેરે પ્રશ્‍નો પર સમીક્ષા કરી અધિકારીઓને નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

 રાજ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (પંચાયત) એ.એન. ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (સ્‍ટેટ) કે.એન. ઝાલા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ. વંકાણી, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ અગ્રણી સર્વ નિલેશભાઈ પટેલ, દિલુભા જાડેજા, અનિલભાઈ મહેતા તેમજ ભુપતભાઈ પંડ્‍યા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 ધ્‍વજા ગુણ ગુંજનનો ભવ્‍ય કાર્યક્રમ 

 મોરબીમાં પ્રથમવાર સમસ્‍ત જૈન સંઘો માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ધર્મનાથ દાદાની ૨૬૮મી સાલગીર ની પૂર્વ સંધ્‍યાએ   ધ્‍વજા ગુણ ગુંજન તથા ધ્‍વજા વધામણાનો ભવ્‍યાતિભવ્‍ય કાર્યક્રમ યોજાશે.

  મંગળવાર. રાત્રીના ૮.૧૫ કલાકે પુરુષોનો ઉપાશ્રય, દરબારગઢ, મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર દીપેશભાઈ કામદાર, ભાવનગરથી પધારશે અને સુરની સાધના રેલાવશે. આ સાથે હાજર રહેનાર સકલ સંઘના ભાઈઓ તથા બહેનોને દાતા પરિવારે વધાવ્‍યા બાદ ધ્‍વજાને વધાવાનો અમૂલ્‍ય લાભ મળશે. તેમજ આ વર્ષ તેમજ આવતા વર્ષની ઘ્‍વજા જીની બોલી પણ બોલાશે. તેમ મંત્રી જયેશભાઈ કોઠારી અને પ્રમુખ નિલેશભાઈ શાહની સંયુક્‍ત યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

 જુનિયર રમેશ મહેતા દ્વારા  શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાશે

  ગુજરાતી ફિલ્‍મ જગતના હાસ્‍ય સમ્રાટ ગણાતા સ્‍વ. રમેશ મહેતાના સ્‍વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં સૌ પ્રથમ વખત તેઓને શ્રદ્ધાંજલિ આપવા બુધવારે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે.

 ‘‘હો..હો..હો..કેટલા વર્ષના ગોરી..''  ડાયલોગથી પ્રખ્‍યાત ગુજરાતી ફિલ્‍મના કલાકાર રમેશ મહેતાના સ્‍વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા એવોર્ડ ફંકશન  બુધવારના રોજ સાંજે ૫ થી ૯ કલાકે રાખેલ છે.વધુ માહિતી માટે જુનિયર રમેશ મહેતા (મયુરબાપા) મો. ૯૭૨૬૬૧૨૮૫, સરવૈયા સિદ્ધરાજસિંહ મો.૯૭૩૯૯૩૯૬૯૭ પર સંપર્ક કરવો.

  સૌરાષ્‍ટ્રના પ્રભારીઓની નિમણૂક

 સૌરાષ્‍ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નામ ભાજપ પ્રદેશ પ્રમુખે આજરોજ જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સૌરાષ્‍ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં પ્રભારી તરીકે ૬૫-મોરબી દિલીપસિંહ ચુડાસમા,૬૬-ટંકારા ઘનશ્‍યામભાઈ ગોહિલ,૬૭-વાંકાનેર લાલજીભાઈ સાવલીયા,૬૮- રાજકોટ પૂર્વમાં મોરબીના પ્રદીપભાઈ વાળની, ૭૮-જામનગર ઉ.માં મોરબીના હિરેનભાઈ પારેખની વરણી કરવામાં આવી છે.

(12:51 pm IST)