સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

મોરબીમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો.

પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પતિને દબોચી લીધો.

 મોરબીના વીસીપરા વિસ્તાર નજીક આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિ વારંવાર ચારિત્ર્ય ઉપર શંકા કરીને મારઝૂડ કરતો હોવાથી પત્ની ઘરેથી ભાગી ગઈ હતી.પણ પતિએ પત્નીને શોધીને ઘરે લાવી ધોકા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્યાના બનાવની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી હત્યારા પતિને દબોચી લીધો હતો.
મોરબીના વીસીપરા પાસે આવેલ રેલવે સ્ટેશન નજીક રહેતા હલીમાબેન અનવરભાઈ શેખ (ઉ.વ.24)ને ગઈકાલે રાત્રે ગંભીર ઇજા થતાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની પોલીસ સ્ટાફે સઘન તપાસ ચલાવતા મૃતક હલીમાબેન અનવરભાઈ શેખની તેના પતિ અનવરશા ખમિશા શેખે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પતિ અનવર વારંવાર પત્ની હલીમાબેન ઉપર ચારિત્ર્ય બાબતે વારંવાર શંકા કરી પત્નીને મારઝૂડ પણ કરતો હોવાથી રોજરોજના કજિયા કંકાસ અને પતિના મારના ત્રાસથી કંટાળી ગયેલી પત્ની હલીમાબેન થોડા દિવસો પહેલા ઘર છોડીને ક્યાય નીકળી ગયા હતા. પરંતુ પાછળથી પતિ અનવરે પત્ની હલીમાબેનની શોધખોળ કરીને ઘરે લાવ્યો હતો અને ફરી બાદમાં ચારિત્ર્ય બાબતે ઝઘડો કરી પતિ અનવરે પત્ની હલીમાબેનને ધોકા મારીને પતાવી દીધી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી પતિ સામે હત્યાના ગુન્હો નોંધી હત્યારા પતિને ઝડપી લીધો હતો.

(11:56 pm IST)