સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

શાપર-વેરાવળમાં બે દેશી હથિયાર સાથે રસીદખાન પઠાણને રૂરલ એસઓજીએ દબોચી લીધો

બન્ને હથિયાર યુ.પી.માંથી પ હજારમાં લાવી ૮ થી ૧૦ હજારમાં વેચવાની પેરવીમાં હતો ત્યાં જ પોલીસે ઝડપી લીધોઃ અગાઉ હથિયાર વેચ્યા છે કે કેમ? તે અંગે તપાસ

તસ્વીરમાં હથિયાર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસ.ઓ.જી.નો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. શાપર-વેરાવળમાં બે દેશી હથિયાર સાથે મુળ યુ.પી.ના મુસ્લીમ શખ્સને રૂરલ એસ. ઓ. જી.એ ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ બન્ને હથિયાર વેચવની પેરવીમાં હતો ત્યાં જ પોલીસે ઝડપી લીધો હતો.  જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એ. આર. ગોહીલ તથા પી. એસ. આઇ. એચ. એમ. રાણા સહિતનો કાફલો શાપર-વેરાવળ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે રૂરલ એસઓજીના એ. એસ. આઇ. પરવેજભાઇ સમા તથા પો. કો. અમીતભાઇ કનેરીયાને મળેલ સંયુકત બાતમીના આધારે છાપો મારી રસીદખાન નસીરખાન પઠાણ રહે. હાલ સર્વોદય સોસાયટી, મુળ ગામ નિજામતપૂર્વા તા. બેસાન્ડા જી. બાંદા (યુ.પી.)ને  દેશી બનાવટની પિસ્ટલ નંગ ૧ તથા દેશી બનાવટનો કટ્ટો નંગ ૧ અને૪ જીવતા કાર્ટીસ મળી કુલ રપ,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ રસાદખાને પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે, તે શાપર-વેરાવળમાં છેલ્લા એક વર્ષથી મજૂરી કામ માટે આવ્યો હતો. એ યુ.પી.માંથી બન્ને હથિયારો પ-પ હજારમાં લાવી ૮ થી ૧૦ હજારમાં વેચવાનો હતો. રસીદખાને અગાઉ કોઇ હથિયારો કોઇને વેચ્યા છે કે કેમ ? તે અંગે પોલીસે સઘન પુછતાછ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ. ઓ. જી.ના એ. એસ. આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પો. કો. વિજયગીરી ગોસ્વામી, ડ્રાઇવર પો. કો. દિલીપસિંહ જાડેજા  તથા સાહિલભાઇ ખોખર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:32 pm IST)