સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

માંડવીના ફરાદીની સીમમાંથી મળેલા મૃતકની થઇ ઓળખ : હતભાગી મૂળ વડોદરાનો વતની

હાલ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતો હોવાનું ખુલ્યું

માંડવી : તાલુકાના ફરાદીના સીમ વિસ્તારમાં શુક્રવારે યુવાનની લાશ મળી આવી હતી. હતભાગી યુવાનની માંડવી પોલીસે ઓળખ કરી છે. મૃતક મૂળ વડોદરાના આજવા રોડનો વતની હતો અને હાલ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

  પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ફરાદી અને મોટી ભુજપુર વચ્ચે ફરાદીના સીમ વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેમાં મૃતકનું નામ મીત અશોકભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે હતભાગીના ભાઈ સાગર અશોકભાઈ પટેલે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. હતભાગીની ઉંમર ર૩ વર્ષની હતી અને તે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્ટોરમાં કામ કરતો હોવાનું તેના ભાઈએ જણાવ્યુ હતુ.

  મૂળ વડોદરાના વતની એવા મીત અશોકભાઈ પટેલની હત્યા કઈ રીતે અને કયા કારણોસર કરાઈ તે કોકડું હજુ પોલીસ ઉકેલી શકી નથી. તો બનાવ સ્થળેથી મળી આવેલી બાઈક પણ હતભાગી યુવાનની હોવાનું જાણવા મળ્યું છે. માંડવી પોલીસના જણાવ્યા પ્રમાણે તેના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે. આ અંગે હતભાગીના ભાઈ સાગર સાથે વાત કરતા તે પણ કંઈ વધુ જણાવી શકયો ન હતો. હતભાગી કઈ રીતે અહીં પહોંચી આવ્યો અને કોણે તેની હત્યા કરી તે પરિવારજનો પણ જણાવી શકયા ન હતા.

 

(10:28 am IST)