સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

ગોંડલના લોકમેળામાં બે યુવાનોને શોટ લાગતા કમ કમાટી ભર્યા મોત નીપજયા

નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, બાંધકામ શાખાના ચેરમેન અને કર્મચારીઓ બંને યુવાનોને સારવાર અપાવવા રાજકોટ ઘસી ગયા પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા

ગોંડલ: ગોંડલ શહેર પંથકમાં સાતમના દિવસ દરમ્યાન સતત વરસાદ વરસ તો  રહ્યો હોય શહેરના કોલેજ ચોક સંગ્રામ સિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો મોટાભાગનો પંડાલ ભીંજાઈ ગયેલો હોય સાંજના સુમારે ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયર નાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા શોક નું મોજુ ફેલાઈ જવા પામ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને લાઇટીંગ પોલ મા વીજ કરંટ લાગતા તે જમીન પર પડી ગયા હતા તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશન નાં કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેને પણ વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા જેને સારવાર અપાવવા માટે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમ દેવસિંહ જાડેજા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી સહિતનાઓ રાજકોટ દોડી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે નરશીભાઈ એક વર્ષ પહેલા જ ફાયર સ્ટેશનમાં કામે લાગ્યા હતા તે મૂળ બનાસકાંઠા તાલુકાના લાડુલા ગામના વતની હતા અને સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી હોય ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જોડાયા હતા.

(11:36 pm IST)