સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th July 2021

અમરેલીના સરભંડાના વેપારીનો કેશોદમાં પેટ્રોલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ

કેશોદના વેપારીઓ મગફળી વેંચાણની રૂ. ૧૭ લાખ દેતા ન હોવાથી પગલુ ભર્યુઃ સ્યુસાઇડ નોટ મળી

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૯ :.. અમરેલીનાં સરભંડા ગામનાં એક વેપારીએ  કેશોદમાં પેટ્રોલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં જૂનાગઢ સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આત્મઘાતી પગલુ ભરનાર પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવતાં તેનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમરેલી જિલ્લાનાં સરભંડા ગામે રહેતા વેપારી ધોબી દિલીપભાઇ ભગવાનભાઇ ચાવડા (ઉ.વ.પ૦) તેમનાં વિસ્તારનાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદી વેપારીઓને વેંચાણ કરી ગુજરાન ચલાવે છે.

આ વેપારીએ કેશોદ ખાતેનાં વેપારીઓને મગફળીનું વેંચાણ કરેલ. આથી ગઇકાલે સવારનાં દિલીપભાઇ કેશોદ ઉઘરાણી માટે આવ્યા હતાં. અને કેશોદમાં કોર્ટ રોડ પર આવેલ માધવ મીલ ખાતે પહોંચ્યા હતાં.

જયાં તેમને મગફળી વેંચાણની રકમની ઉઘરાણી કરી હતી. પરંતુ ઓઇલ મીલરે કોઇ હિસાબ બાકી ન હોવાનું જણાવ્યું હતું.

આથી દિલીપ ચાવડાએ તેના જુનાગઢ રહેતા ભાઇ હરસુખને કેશોદ બોલાવેલ અને બાદમાં દિલીપભાઇએ પોતાની સાથે બોટલમાં લાવેલ પેટ્રોલ પોતાના શરીર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.

જેમાં વેપારી મોઢા તેમજ હાથ-પગ અને પીઠનાં ભાગે ગંભીર રીતે દાઝી જતાં વિશેષ સારવાર માટે જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

આ અંગે જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ-પુછપરછ હાથ ધરતાં વેપારીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આ વેપારીએ છેલ્લા છ માસમાં તેમના વિસ્તારમાં મગફળી ખરીદીને કેશોદનાં ગોપાલભાઇ, પ્રકાશભાઇ અને કિર્તીભાઇ વગેરે વેપારીઓને ૭ વેંચેલ જેના રૂ. ૧૭ લાખ વેપારીઓ પાસેથી લેવાના થતા હતાં. પરંતુ વેપારીઓ કોઇ હિસાબ બાકી ન હોવાનું જણાવી પૈસા આપતા ન હોવાનાં આક્ષેપ સાથે દિલીપભાઇએ જાત જલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે પોલીસને જણાવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

વિશેષ તપાસ કેશોદનાં પીએસઆઇ એસ. એન. સોનારા ચલાવી રહ્યા છે.

(11:07 am IST)