સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

કેશોદમાં પાલિકા વેરા વળતર યોજના હેઠળ આકરા વેરાની વસૂલાત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ નગરપાલિકામાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સરખામણીમાં આકરો વેરો વસુલવામાં આવી રહ્યો છે ત્‍યારે કોરોના મહામારી વચ્‍ચે રાજય સરકાર દ્વારા આઝાદી નાં અમૃતમહોત્‍સવ સંદર્ભે વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી છે ત્‍યારે કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા મિલ્‍કત ધારકોને રાહત મળવાપાત્ર આર્થિક ફાયદો મળતો નથી એવી ફરિયાદો શહેરીજનો માં ઉઠી છે.

કેશોદ નગરપાલિકામાં માં કારોબારી સમિતિનાં ચેરમેન મોહનભાઈ બુટાણી દ્વારા હકારાત્‍મક અભિગમ અપનાવવામાં આવતાં સફાઈ કર અને દિવાબતી કરમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

કેશોદ નગરપાલિકામાં હાલમાં સફાઈ કર રહેણાંક મિલ્‍કત ધારકો પાસેથી ૫૨૮/- રૂપિયા લેવામાં આવે છે તે ઘટાડીને ૨૦૦/- રૂપિયા અને બિનરહેણાક નાં ૬૬૦/- રૂપિયા ઘટાડીને ૩૦૦/- રૂપિયા તેમજ દિવાબતી કર રહેણાંક મિલ્‍કત માં ૨૬૪/- લેવામાં આવે છે એ ઘટાડીને ૧૫૦/- રૂપિયા અને બિનરહેણાક નાં ૩૯૬/- રૂપિયા ઘટાડીને ૨૫૦/- રૂપિયા કરવામાં આવેલ છે જે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ થી લાગું કરવાનું ઠરાવવામાં આવ્‍યું હતું.કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં કારપેટ એરિયા બેઝ વેરો લાગું થયાં બાદ દર બે વર્ષે ૧૦% વધારો કરવામાં આવતો હતો એ હવેથી દર પાંચ વર્ષે ૫% વધારો કરવાનો નિર્ણય કર્યો છે.કેશોદ શહેરનાં ચાલીસ હજાર જેટલા મિલ્‍કત ધારકોને રૂપિયા વેરો ઘટાડીને લાભ આપ્‍યો હતો.અને માર્ચ મહિનામાં છેલ્લાં પખવાડિયામાં ઢોલ પીટીને શહેરીજનો પાસેથી વેરો વસુલવા નીકળી પડ્‍યા હતાં.

કેશોદ નગરપાલિકામાં હિસાબી વર્ષ ૨૦૨૨-૨૩ નાં વેરા વસુલાત માં કોઈ પ્રકારની રાહત ન મળતાં શહેરીજનો છેતરાયાનો અફસોસ કરી રહ્યાં છે. સતાધારી પક્ષની કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર સહિત કેશોદ નગરપાલિકામાં સત્તા સાથે ત્રણ ત્રણ એન્‍જિન વાળી સરકારનાં પદાધિકારીઓ વહીવટી પ્રક્રિયા કરવામાં નિષ્‍ફળ નીવડીયાછે. ત્‍યારે કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા મિલ્‍કત ધારકોને મલ્‍ટી નેશનલ કંપનીઓ દ્વારા છેતરામણી જાહેરાતોની વણઝાર વરસાવી છેતરવામાં આવે છે એવું લાગી રહ્યું છે. આગામી ધારાસભાની સામાન્‍ય ચૂંટણીમાં વસુલવામાં આવતા આકરા વેરા મહત્‍વનો મુદ્દો બને તો નવાઈ નહી.

(1:12 pm IST)