સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

જેતપુરમાં પ્રેમી યુગલને બેરહમીથી માર મારી ડામ આપી નાક-કાન કાપી લેનાર ૯ પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૯: જેતપુરમાં પ્રેમી યુગલને બેરહમીથી માર મારી અપહરણ કરી ડામ આપી મુંડન કરી નાક-કાન કાપી લેનાર ૯ ને પોલીસે ઝડપી લીધા હતા.

બનાવની વિગત એવી છે કે શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા અરવિંદ મયુરભાઇ પરમાર યુવાનને આજ વિસ્‍તારમાં રહેતી ત્રણ સંતાનોની માતા જશીબેન હિંમતભાઇ પરમાર સાથે પ્રેમ થઇ જતા બન્ને એક મહિના પહેલા ભાગી ગયેલ. બે દિવસ પહેલા તેઓ જેતપુર પરત ફરેલ તેને જશીબેનના સાસરીયાઓ જોઇ ગયા હોય બન્નેને ઝડપી લઇ બન્નેના હાથ બાંધી લાકડાના ધોકાઓ પ્‍લાસ્‍ટીકની પાઇપ વડે માર મારી અપહરણ કરી પોતાના ઘેર લઇ જઇ બે રહેમીની હદ વટાવી મહિલાને પકડી રાખી નાક અને કાન કાપી લોખંડના સળીયા વડે બંન્નેને શરીરે ડામ દીધા જે સહન ન કરી શકતા બેભાન થઇ ગયેલ. બંન્નેનો ટકો કરી રાત્રીના વાહનમાં લઇ જઇ સોમનાથ દરીયા કિનારે ફેંકી દીધા હતા. જેઓ સવારે ભાનમાં આવતા સારવાર લઇ જેતપુર આવી ફરીયાદ લખાવતા મહિલાની ફરીયાદ પરથી તેના સાસરીયા પક્ષના ૯ શખ્‍સો ઘુસા રૂપાભાઇ પરમાર, કલુ રૂપાભાઇ પરમાર, હંસાબેન ઘુસાભાઇ પરમાર, સવુબેન કલુભાઇ પરમાર, અતુલ કલુભાઇ પરમાર, વિલાસબેન કલુભાઇ પરમાર, હેમંત રૂપાભાઇ પરમાર, અજય અશોકભાઇ પરમાર, સાગર અશોકભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૧૪૭, ૧૪૩, ૧૪૯, ૩ર૩, ૩ર૪, ૩ર૬, પ૦૪, પ૦૬ (ર), ૩૪ર, ૩૬પ મુજબ ગુન્‍હો નોંધી તમામને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(1:07 pm IST)