સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

૭ લાખના ખર્ચે બનેલો સમ્‍પ પાણી ભરાયાના ચોથા દિવસે જ તૂટયો

લીંબડીના મોટી કઠેચી ગામે ભ્રષ્‍ટાચાર બહાર આવ્‍યો

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯: લીંબડીના મોટી કઠેચી ગામે બનેલો સમ્‍પ પાણી ભરાયાંના ચોથા દિવસે તૂટી ગયો હતો. લીંબડીના મોટીકઠેચીમાં ૧૦ ટકા લોક ફાળો, વાસ્‍માનો ૯૦ ટકાના ફાળાથી ૨ લાખ લીટરનો સમ્‍પ બનાવ્‍યો હતો સમ્‍પના કામમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્‍સીને બ્‍લેક લિસ્‍ટ કરવાની મોટી કઠેચીના ગ્રામજનોએ માગ કરી હતી આઝાદીના ૭૪ વર્ષ પછી મોટી કઠેચીમાં પાણી પહોંચ્‍યું હતું
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્‍તારના મોટી કઠેચી ગામે ગામ લોકોનો ૧૦% લોક ફાળો અને વાસ્‍મોના ૯૦% રકમ દ્વારા ૨ લાખ લીટરનો સમ્‍પ બનાવવામાં આવ્‍યો હતો. દેશની આઝાદીના ૭૪ વર્ષ પછી પહેલીવાર પોતાના ગામનું પીવાનું પાણી મળવાની આશાએ ગ્રામજનોમાં આનંદની કોઈ સીમા રહી નહોતી. મોટી કઠેચી ગામે પાણીની સમસ્‍યા સર્જાતા પાણી પુરવઠાએ બોર્ડે તાત્‍કાલિક લાઈન નાખી રવિવારે સમ્‍પ ભરી દીધો હતો. પરંતુ મોટી કઠેચીના લોકોનો આનંદ બુધવારે તો ચકનાચૂર થઈ ગયો હતો.
પ્રથમવાર ભરાયેલા સમ્‍પમાં તિરાડો પડવા લાગી હતી. તિરાડોમાંથી ઢગલા મોઢે પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. ૭.૧૧ લાખના ખર્ચે બનેલો સમ્‍પ પાણી ભરાયાંના ચોથા દિવસે જ તૂટી જતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્‍યો હતો. ઉપયોગમાં લીધાને ચોથા દિવસે સમ્‍પ તૂટી જતાં સમ્‍પ બનાવનાર કોન્‍ટ્રાક્‍ટરે કામમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે તે કહેવું મુશ્‍કેલ નથી. સમ્‍પના કામમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્‍સીને બ્‍લેક લિસ્‍ટ કરવાની મોટી કઠેચીના ગ્રામજનોએ માગ કરી હતી.

 

(11:43 am IST)