સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

નિકાસબંધી પછી કંડલા પોર્ટ ઉપર હજારો ટન ઘઉંના ભરાવાને પગલે સરકારે શરૂ કરી સમીક્ષા: ડીજી ફોરેન ટ્રેડ દ્વારા બેઠકનો દોર

૫ જહાજ ભરાયા પછી પણ ૨૦૦૦ ટ્રક ઘઉં પાછા મોકલવા પડે તેવી સ્થિતિ, રેલવેની ૬ રેક, ૫૦૦૦ ટ્રક અને ખુલ્લા ગોડાઉનમાં સંગ્રહ સહિત ૧૯ લાખ મેટ્રિક ટન ઘઉં નિકાસ માટે પડ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

 કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ની કરાયેલી નિકાસબંધીને પગલે કંડલા પોર્ટ નજીક ઘઉં ભરેલી ૫૦૦૦ જેટલી ટ્રકોના થપ્પા થઈ ગયા છે. આ પરિસ્થિતિએ વ્યાપારીઓ માટે સર્જેલા કરોડોના આર્થિક નુકસાનની ભીતિના અને ૫૦૦૦ ટ્રક ડ્રાઈવરો છેલ્લા ૧૫ દિવસથી કંડલામાં જ અટકી ગયા હોવાના મીડિયામાં વહેતા થયેલા સમાચારોને પગલે દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા ચારેક દિવસથી ભારે ચર્ચાનો વિષય બનેલી ઘઉંની નિકાસબંધી સંદર્ભે ઊભી થયેલ કટોકટીભરી પરિસ્થિતિની સમીક્ષા અર્થે કેન્દ્ર સરકારના ડાયરેકટર ઓફ ફોરેન ટ્રેડ વિભાગના એડી. ડીજી આકાશ તનેજા કંડલા પહોંચ્યા હતા અને દીનદયાળ પોર્ટ કંડલાના અધિકારીઓ, કસ્ટમ, ફ્રી ટ્રેડ ઝોન તેમ જ સ્થાનિક ચેમ્બર સહિતના વ્યાપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. અત્યારે કંડલા મધ્યે ટ્રકો, રેલ્વે રેક અને ખુલ્લા ગોડાઉનમાં લગભગ ૧૯ લાખ મેટ્રિક ટન ઘઉં નિકાસ માટે રાહ જોતા પડ્યા છે. બેઠક દરમ્યાન ૧૩ તા. સુધી નિકાસના ઓર્ડર મળ્યા છે તેમને સરકાર દ્વારા મંજૂરી અપાયાને પગલે ૫ જહાજમાં ઘઉંની નિકાસ થશે. જોકે, તુણા અદાણી બંદરે ૬ જહાજ ઘઉં ભરવા આવ્યા છે એમને મંજૂરી મળે એવી સંભાવના છે. તે પછી પણ અંદાજિત ૨૦૦૦ ટ્રક ઘઉં પાછા મોકલવા પડે એવી પરિસ્થિતિ છે. જોકે, છેલ્લા ઘણા દિવસથી ગૂંચવાયેલા ઘઉં નિકાસના મુદ્દાને કારણે કંડલામાં જમાં થયેલા ઘઉંના લાખો ટન જથ્થા બાબતે સ્થાનિક મીડિયાને સત્તાવાર માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજવી જોઈએ જેથી સાચી સ્થિતિ અંગે યોગ્ય જાણકારી મળી શકે. કંડલા પોર્ટ કચેરી મધ્યે યોજાયેલી બેઠકમાં શ્રી આકાશ તનેજા (ITS, Addl.  DGFT,) શ્રી નંદીશ શુક્લા ( IRTS, Dy.  અધ્યક્ષ દિન દયાળ પોર્ટ કંડલા), શ્રી શ્રી આર.એચ. મીના (એડ.  કમિશનર કસ્ટમ્સ), શ્રી મહેન્દ્ર બગરિયા (IPS, DSP-પૂર્વ કચ્છ), શ્રી સત્યદીપ મહાપાત્રા (જોઈન્ટ કમિશનર-KASEZ)  શ્રી તેજાભાઈ કાનગડ, પ્રમુખ-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઘઉંની નિકાસ સાથે સંકળાયેલા વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:32 am IST)