ખંભાળીયાની આશાપુરા માઇન્સ કંપનીમાં દંપતી જીલેટીન સાથે આવી વિસ્ફોટ કરવાની ધમકી દીધી
અગાઉ કંપનીની ભોગાત ખાતેની ખાણમાં વિસ્ફોટ કરવાથી દંપતીના મકાનને નુકશાન થયું હતું તેના વળતરની માંગણી કરી ખુલ્લી તલવાર સાથે ધમાલ મચાવતા ગુન્હો નોંધાયો
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૮: ખંભાળીયાની આશાપુરા માઇન્સ કંપનીના ગેઇટ પાસે જીલેટીન સ્ટીક અને તેના વાયરો જોડી ગેઇટ પાસે આવેલા દંપતીએ વિસ્ફોટ કરવાની ધમકી આપી ખુલ્લી તલવારથી ધમાલ મચાવતા બંને વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે યોગેશ્વરનગરમાં દતાણીનગરમાં રહેતા અને આશાપુરા માઇન્સ કંપનીમાં કામ કરતા કિશોર ઉમાશંકર ચૌધરી (ઉ.વ.૪૭)નાએ ખંભાળીયા પોલીસ મથકમાં ભોગાત ગામના નથુ ભીખા ભાટીયા અને મંજુબેન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યું છે કે આજથી પાંચેક વર્ષ અગાઉ કંપનીની ભોગાત પાસે ખાણ હોય તેમાં બ્લાસ્ટીંગ કરતા નથુભાઇના મકાનને નુકશાન થયું હતું. આ નુકશાનીનું વળતર આપવા કંપનીએ જણાવ્યું હતું. પરંતુ નાથાભાઇએ આખુ મકાન નવુ બનાવવા માટેનું કહેતા કંપનીએ મકાન બનાવી આપવાની ના પાડી હતી એ પછી કોઇ ફરીયાદ કરી ન હતી. ગઇકાલે નથુભાઇ અને તેમના પત્ની મંજુબેન કંપનીના ગેઇટ પાસે આવ્યા હતા જેમાં નથુભાઇના હાથમાં ખુલ્લી તલવાર હતી અને પાછળ બંનેના વાયર સાથેના થેલા બાંધેલા હતા અને સિકયુરીટીને જ લાગયુ હતુ કે વળતર નહી આપો તો અમે અહી જ આ જીલેટીન સ્ટીકથી મરી જશું અને તમને પણ મારી નાખીશું આથી સિકયુરીટીએ મને ફોન કરી જણાવતા હું બહાર આવ્યો હતો અને તેને સમજાવવા માટે પાસે જતો હતો ત્યારે નથુ ભાઇના હાથમાં રહેલી ખુલ્લી તલવાર હવામાં ફેરવવા લાગ્યા હતા આથી આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે આવી નથુભાઇ પાસે જીલેટીન (સ્ફોટક) વસ્તુ અંગેની પરમીટ માંગતા તેમની પાસે ન હતી આથી આ જીલેટીન કયાંયથી લાવ્યા અંગે પુછપરછ કરતા તે આસોટા બાજુ રસ્તા પર આવેલા ગોડાઉનથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
ખંભાળીયા-કલ્યાણપુરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
ખંભાળીયા અને કલ્યાણપુરમાં હજુ પણ જુગારીઓ પટ્ટમાં રમતા રમતા પોલીસે ઝડપી લીધા છે. ખંભાળીયાના મોટા માંઢા ગામે જાહેરમા઼ પાના ટીંચતા વનરાજસિંહ રાવતસિંહ ગોહીલ, હરદેવસિંહ વજુભા જાડેજા, લગધીરસિંહ ઉર્ફે લખુભા વાઘુભા વાઢેરને રોકડા ૧૦૯૦ની મતા સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં કલ્યાણપુર પોલીસે ધતુરીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા રામા હરભમ ગોઢાણીયા, સુરેશ આલા ગોઢાણીયા, લાખણશી અરશી ગોઢાણીયા, રાજુ રામા ગોઢાણીયા, સામત દુદા ગોઢાણીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ ૧૦,૬૩૦ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.