સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

ધોરાજીમા મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમા ઠેર ઠેર ભુવા પડી ગયા

જેતપુર રોડ હજુ એક મહિના પહેલા જ નવો પેવર રોડ બનાવ્યો..પરંતુ પહેલા જ વરસાદમા હતો એનાથી ખરાબ બિસ્માર હાલતમા થઇ ગયો નબળા કામ અંગે કોની જવાબદારી પ્રજામા પ્રશ્ન ઉભો ગયો ..? : રોડ રસ્તા બાબતે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોના સામસામે આક્ષેપો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૮ : નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શહેરના ત્રણ દરવાજાથી નદી બજાર ત્યાંથી માધવ ગૌશાળા ખાડીયા વિસ્તાર થી અવેડા ચોક તેમજ શહેરના વિવિધ માર્ગો માં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે તેમજ પોસ્ટ ઓફિસ ચોકથી હોકળા કાઠા વગેરે વિસ્તારો બિસ્માર હાલતમાં પ્રથમ ચોમાસામાં થઈ ગયા છે આ બાબતે પ્રજા એવું જણાવેલ કે ધોરાજી નગરપાલિકા જયારે ડામરના કોન્ટ્રાક આપતા હોય ત્યારે તેમની ગેરેન્ટી પિરિયડ હોય છે પરંતુ નબળા કામ કર્યા હોય અને પ્રથમ વર્ષમાં જ આ પ્રકારની રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય તો આ બાબતે કોની જવાબદારી તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે હાલમાં લોકો ચાલી શકે નહીં એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને તાત્કાલિક અસરથી રોડ રસ્તા સરખા કરવા જોઈએ તે બાબતે લોકોની પ્રચંડ માગણી ઉભી થઇ રહી છે.

તાજેતરમાં જ ધોરાજીના જેતપુર રોડ ડોકટર જાનીના દવાખાના પાસે થી આગળ ના ભાગ સુધી અત્યંત બિસ્માર (સ્ટેટ હાઇવે) થઈ ગયો હતો જે બાબતે લતાવાસીઓએ એક મહિના પહેલા રસ્તો ચક્કાજામ કરી જનઆંદોલન ઉપાડયું હતું બાદ તંત્રની આંખ ઉદ્યાડતા તાત્કાલિક અસરથી નવો પેવર રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ વરસાદ ની અંદર પેવર રોડ આખેઆખો ઉખડી જતા અને જે પ્રકારે ખાડા હતા એનાથી ડબલ પ્રકારે ખાડાઓ પડી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

કોન્ટ્રાકટર એ લાખો રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવ્યા અને માત્ર પંદર વીસ દિવસની અંદર જ સંપૂર્ણ ધોવાઇ જતાં આ બાબતે કોની જવાબદારી તે બાબતે પણ પ્રજામાં સવાલો ઉભા થયા છે કોન્ટ્રાકટરો એ નબળા કામ બાબતે નબળા કામ કરે છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ તેવી પણ લોકોની માગણી છે

ધોરાજીમાં દર વર્ષે લોકો ચક્કાજામ કરી મહિલાઓ પણ રણચંડી બને છે છતાં પણ તંત્રની આંખ સમયસર ઉપાડતી નથી અને જે પ્રકારે રસ્તાઓ બને છે એ લાંબો સમય સુધી ટકી શકતા નથી તે પણ મોટો સવાલ ઉભો થયો છે તો ભ્રષ્ટાચાર બંધ કરી અને કોન્ટ્રાકટરો પાસેથી સરકાર અને નગરપાલિકા સારા કામ કરાવે તેવી પ્રજાને બુલંદ માગણીઓ જોવા મળી રહી છે.

ઉપપ્રમુખ શું કહે છે...?

આ બાબતે ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પોઠીયાલા એ રોડ રસ્તા બાબતે જણાવેલ કે હાલમાં ધોરાજી નગરપાલિકા ના જે રોડ-રસ્તાઓ તૂટ્યા છે તે ભારતીય જનતા પાર્ટી નું સુધરાઇમાં શાસનમાં હતું એ વખતના બનાવેલા હતા એ ટુટીયા છે અમોએ એ સમયના જે કોન્ટ્રાકટરો હતા તેમને રસ્તાઓ તૂટી જવા બાબતે નોટિસો આપી છે ચોમાસા ના હિસાબે રસ્તાનું રીપેરીંગ કામ અટકેલું છે ચોમાસા બાદ કામ શરૂ થઈ જશે.

રસ્તાઓ રીપેરીંગ કરવા બાબતે અમોએ કોન્ટ્રાકટરને ત્રણ વખત નોટિસો આપી છે પરંતુ તેઓ કામ કરતા નથી ચોમાસું ચાલે છે ચોમાસા બાદ કામ શરૂ કરશે.

વધુમાં પોઠીયાવાલા એ જણાવેલ કે જે પ્રકારે ભાજપના આગેવાનો અમારા પર આક્ષેપ કરે છે તદ્દન ખોટા છે ભ્રષ્ટાચાર અમારા વખતમાં થયો નથી અમે જે રસ્તાઓ બનાવ્યા છે એમાંથી એક પણ રસ્તો તૂટ્યો નથી અને જો તૂટયો હોય તો અમને જાહેરમાં બતાવે તેવી ચેલેન્જ પણ ફેંકી હતી....?

ભાજપના મંત્રી હિરપરા શું કહે છે...?

ધોરાજી શહેર ભાજપના મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા રોડ રસ્તાના પ્રશ્ને જણાવેલ કે ધોરાજી નગરપાલિકા નું શાસન કોંગ્રેસનું છે અને જે પ્રકારે રોડ-રસ્તાઓ તૂટ્યા છે તે કોંગ્રેસ સંચાલિત નગરપાલિકામાં તૂટ્યા છે અને મોટો ભ્રષ્ટાચાર થયો છે તે પ્રકારના આક્ષેપો કર્યા હતા

ધોરાજીના રોડ રસ્તા ની હાલત ખરાબ થઇ છે જો તેની કોઈ જવાબદારી હોય તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ની જવાબદારી છે કારણકે તેમને મોટા મોટા વચનો આપ્યા હતા કે હું ધોરાજી નગરપાલિકા માં બેસી અને ધોરાજીની પ્રજાનો સારું કામ કરીશું પરંતુ ધોરાજી નગરપાલિકા માં તેઓ કશું જ કરતા નથી પણ ભ્રષ્ટાચાર વધી ગયા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તે તેની સગી આંખે જુએ છે છતાં પણ કંઈ કરતા નથી તે પ્રકારના આક્ષેપો કર્યા હતા

હાલમાં રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે એમ્બ્યુલન્સ કે સબ વાહીની નીકળી શકે નહીં એટલે હાલતે રસ્તા બિસ્માર થઈ ગયા છે આ બાબતે બાળકો પણ અભ્યાસ કરવા જાય તો તેમને સાયકલ પણ ચાલતી નથી એ પ્રકારના ખાડાઓ પડી ગયા છે આ બાબતે તાત્કાલિક કામ શરૂ કરવું જોઈએ અને ભ્રષ્ટાચાર બાબતે અમો વિજિલન્સ માં ફરિયાદ કરવાના છીએ અને હાલમાં તો ધોરાજીના હિતને ધ્યાનમાં રાખી નગરપાલિકા તાત્કાલિક ખાડાઓમાં આવવા જોઈએ અને તાત્કાલિક જવાબદાર સામે એકશન લેવા જોઇએ તેવી ધોરાજી શહેર ભાજપના મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા એ માગણી કરી હતી.

(10:13 am IST)