સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

હળવદ દુર્ઘટનાનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી :ઘટનાનો ત્રણ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આદેશ

આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હળવદ પહોંચ્યા:થે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત હતા

હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હળવદ પહોંચ્યા હતા. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઇ રહ્યા છે. સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજા પણ ઉપસ્થિત હતા. આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હળવદ પહોંચ્યા હતા

સીએમ ભૂપેન્દ્રભાઈ  પેટેલે મુલાકાત લીધા બાદ નિવેદન આપતા કહ્યું છે કે મોરબીના હળવદમાં 12 શ્રમિકોના મોત મુદ્દે સરકારે તપાસનો આદેશ આપી રિપોર્ટ માગ્યો છે. ઘટના અંગે 3 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોને અપાઇ રહેલી સારવાર અંગે પણ સિવિલ હોસ્પિટલમાં જઇને વિગતો જાણી હતી. તેમણે આ ઇજાગ્રસ્તોને જરૂર જણાય વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા તંત્રને સૂચનાઓ આપી હતી. 

આ દુર્ઘટનાને લઇને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો કેન્દ્ર સરકાર પણ મૃતકોને 2-2 લાખ રૂપિયાની સહાય આપશે. તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.

(8:07 pm IST)