સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ખેતીની જમીનનું પાર્ટીશન કરવા અંગે થયેલ દાવો મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા.૧૮: અત્રે રસીલાબેન નરશીભાઇ રામાણી, રહે. ઉપલેટા વાળાએ રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ ખેરડીના ખાતા નં. ૨૫૬ સર્વે નં.૩૯૧ની જમીન હે.આર.ચો.મી.૧-૪૭-૭૧ તથા સર્વે નં. ૩૯૯/૧ પૈકી ૧ જમીન હે.આર. ચો.મી.ર-૪૨-૮૧ વાળી ખેતીની જમીનનું પાર્ટીશન કરવા તેમના પિતા તથા તેમના ભાઇ અને બહેનો વિરૃધ્ધ રાજકોટ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો જેને કોર્ટે મંજુર કરેલ હતો.

વાદીના દાવાની હકિકત મુજબ દાવાવાળી જમીન વાદી અને પ્રતિવાદી સંયુકત નામે નોંધાયેલી છે અને પ્રતિવાદીઓખે રૃબરૃ મળી જમીનના ભાગ પાડી લેવા અવાર નવાર જણાવી કબજો સોંપી આપવા વાત કરેલ પરંતુ પ્રતિવાદીઓએ ભગ આપવાની વાતને ટાળી દીધેલ ત્યારબાદ નોટીસ આપવા છતાં કોઇ જવાબ આપેલ નહી જેથી વાદી હાલનો દાવો દાખલ કરેલો.

પ્રતિવાદીઓએ કોર્ટમાં હાજર થઇ પ્રતિવાદી નં.૧ કે જે વાદીના પિતા અને બીજા ભાઇઓ તથા બહેનોએ સંયુકતમાં દાવાનો જવાબ રજુ કરેલ અને વાદીએ કયારેય દાવાવાળી જમીનનો કબજો ધરાવેલ નથી તેમજ  તેમને લગ્ન વખતે કરીયાવર સોપી દીધેલ છે તથા દાવાને નોન જોઇન્ડર  ઓફ નેસેસરી પાર્ટીનો બાદ નડે છે. અને દાવાવાળી જમીનએ પ્રતિવાદી નં.૧ નરશીભાઇની સ્વતંત્ર મિલકત છે. અને વાદીએ ખોટી રીતે તેનું નામ રેવન્યુ રેકર્ડમાં ચડાવી દીધેલ છે વિગેરે હકીકતો જણાવી વાદીનો દાવો રદ કરવા માંગણી કરેલ છે.

રાજકોટના મહે.એડી.સીનીયર સિવિલ જજ એસ.એમ.ક્રીષ્ટીએ બંને પક્ષકારોની દલીલ સાંભળી ચૂકાદો આપેલ કે, દાવાવાળી જમીન વડીલો પાર્જીત હોવાનું પુરવાર થાય છે અને વાદી પુત્રી તરીકે હિસ્સો મેળવવા હકદાર છે. આમ કોર્ટએ વાદી તરફે રજુ કરવામાં આવેલ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી વાદીનો દાવો મંજુર કરી દરેક વારસોના હિસ્સાનું  પાર્ટીશન કરવા અને તેનો કબજો સોંપી આપવા હુકમ તથા હુકમનામું ફરમાવેલ છે.

આ કામમાં વાદીના વકીલ તરફે રાજકોટના વકીલ ધમેશ યુ. વકીલ મનોજ  એન.ભટ્ટ, રચિત એમ. અત્રી, આનંદ કે. પઢીયાર, મોૈલિક ડી. વકીલ તથા યોગીરાજ ડી. વકીલ તથા પ્રતિવાદી નં.૪ વતી અરવિંદ એ. રામાવત, અશ્વિન એ. રામાવત એડવોકેટ તરીકે રોકાયલ હતા.

(4:35 pm IST)