સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

મોરબીની મેડિકલ કોલેજ ચાલુ થવાનું કાઉન્‍ટ ડાઉનઃ નવી ૫૨૯ જગ્‍યા મંજુર

મેડિકલ કોલેજના ડીન અને હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ સહિત રાજ્‍યની નવી પાંચ મેડિકલ કોલેજ માટે નવી ૨૫૩૭ જગ્‍યા મંજુર કરતી સરકાર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબીને સરકારી મેડિકલ કોલેજનું કાઉન્‍ટ ડાઉન શરુ થયું છે. ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી મોરબી સહીત રાજયમાં પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવા નિર્ણય કર્યાને પગલે હયાત હોસ્‍પિટલો અને નવી મેડીકલ કોલેજો માટે વર્ગ-૧, વર્ગ-૨,૩ માટે વધારાનું ૨૫૩૭ જગ્‍યાઓનું મહેકમ મંજુર કર્યું છે જે અન્‍વયે મોરબી મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ માટે નવી ૫૨૯ જગ્‍યાઓ મંજુર કરી ટૂંક સમયમાં જ નેશનલ મેડિકલ કમિશનના નિયમ પ્રમાણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્‍યો છે.

મોરબી માટે મંજુર થયેલી સરકારી મેડિકલ કોલેજ ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણય બાદ સરકારે ફરી સરકારી મેડિકલ કોલેજ માટે લીલીઝંડી આપી છે ત્‍યારે મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા ગોધરાની જીલ્લા હોસ્‍પિટલોને અપગ્રેડ કરી ગુજરાત મેડીકલ એજયુકેશન એન્‍ડ રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) હસ્‍તક નવી મેડીકલ કોલેજો સ્‍થાપવા હાલમાં હયાત હોસ્‍પિટલો ખાતે મંજૂર થયેલ વર્ગ-૧ અને વર્ગ-૨ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્‍યાઓ મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્‍પિટલો ખાતે તબદીલ કરવામાં આવી છે.

વધુમાં નેશનલ મેડીકલ કમિશનના નિયમ મુજબ બાકી રહેતી મોરબી સહિતની પાંચેય મેડિકલ કોલેજ માટે જરૂરી વર્ગ-૧ અને વર્ગ-૨ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ માટે કુલ ૨૫૩૭ નવી જગ્‍યાઓ મંજુર કરી આગામી શૈક્ષણિક સત્રથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા રૂપિયા ૨૦૬.૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે મોરબી સરકારી હોસ્‍પિટલ સલંગ્ન મેડિકલ કોલેજ માટે નવી ૫૨૯ જગ્‍યાઓ મંજુર થઇ છે

જો કે, વર્ગ-૪ની તમામ જગ્‍યાઓ આઉટસોર્સથી ભરતી કરવા ઠરાવમાં જાહેર કરાયુ છે.

(1:29 pm IST)