સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં બે સ્‍થળોએ અકસ્‍માતમાં ૨૭ લોકોને ઇજા : એકનું મોત

બાવરી નજીક મજૂરો ભરેલ છોટા હાથી તથા દેવપરા ગામ નજીક આઇસર પલટી ખાઇ ગયું

વઢવાણ,તા. ૧૮ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં અકસ્‍માતોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે તેવા સંજોગોમાં મુખ્‍ય હાઇ-વે ઉપર રોજ બરોજ નાના-મોટા અકસ્‍માતો સર્જાયા કરતા હોય છે તેવા સંજોગોમાં એક દિવસમાં બે અલગ-અલગ અકસ્‍માતોમાં ૨૭ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે એક યુવકનું ઘટના સ્‍થળે મોત નિપજવા પામ્‍યું છે.
બાવરી નજીક મજૂરો ભરેલું છોટાહાથી પલટી ખાઇ જવા પામ્‍યું છે.જેને લઈને જ ૧૫ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટ્રકનું ટાયર ફાટતાં છોટાહાથી પલટી ખાઇ જવા પામ્‍યો છે.
આ મજૂરોને પ્રાથમિક સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે ત્‍યારબાદ વધુ હાલત કથળતા તમામને સુરેન્‍દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે ૦૬ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી સારવાર માટે લાવવામાં આવ્‍યા છે. ત્‍યારે ઉલ્લેખનીય છે કે પોતાનું પેટીયું ભરવાને મજુરી કામ કરવા બાવરી ગામેથી છોટાહાથી બાંધી અને ધાંગધ્રા જઈ રહ્યા હતા તે જ સમયે આ તમામે તમામ પોતાના પરિવારજનો સાથે હતા ત્‍યારે અચાનક છોટા હાથી નું ટાયર ફાટી જતા ડ્રાઈવર સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
અન્‍યત્ર લીમડી હાઇવે ઉપર આવેલા દેવપરા ગામ પાસે આઇસર પલટી ખાઇ જવા પામી છે તેને લઈને ૧૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તમામને સારવાર માટે લીમડી સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા છે આઇસરમાં મુસાફર એક વ્‍યક્‍તિનું મોત નિપજવા પામ્‍યું છે.

 

(11:45 am IST)