સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ફેબ્રુઆરીમાં ૫૯,૧૮૮ જ્‍યારે માર્ચમાં ૭૭,૭૯૬ યાત્રિકોએ ગિરનાર રોપ-વેની મજા માણી : રોપ-વે કેબિનમાં સંગીત ગુંજશે

દરરોજ ૫૫૧ ટ્રીપમાં પર્વતના ૧૦ હજાર પગથિયા ચડયા વગર હજારો ભાવિકો કરે છે માતાજીના દર્શન

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૧૮: ગિરનાર રોપવે પ્રોજેક્‍ટ પ્રવાસીઓ માટે અત્‍યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્‍ટોબર ૨૦૨૦માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્‍ટનો અત્‍યાર સુધી ૧૧ લાખ લોકો લાભ લઇ ચૂક્‍યા છે. તેના લીધે કુલ રૂ. ૫૬ કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્‍યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૨માં કુલ ૫૯,૧૮૮ પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને ૭૭,૭૯૬ થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી ૨૦૨૨ (૩.૧ કરોડ)ની સરખામણીએ માર્ચમાં (૪.૦૩ કરોડ) એક કરોડનો વધારો જોવા મળ્‍યો છે. ૨૩૨૦ મીટર લાંબા અને ૮૯૮.૪ મીટર ઉંચા રોપવેમાં અત્‍યારે દૈનિક સરેરાશ ૫૫૧ ટ્રીપ મારવામા આવી રહી છે.

પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર ટૂંક સમયમાં રોપવે કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.

ભૂપેન્‍દ્ર પટેલ સરકાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેના માટે હેરિટેજ ટુરિઝમ પોલિસીથી લઇને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે પણ સરકારે નીતિ જાહેર કરી છે. પ્રવાસીઓની સુખાકારીની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ તેમજ વૈશ્વિક સ્‍તરની પ્રતિષ્ઠા અપાવવા માટે સરકાર અલગ અલગ સ્‍તરે કામ કરી રહી છે.

ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્‍ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્‍યું કે, ‘ગિરનાર એ ગુજરાતનું આધ્‍યાત્‍મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્‍નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્‍ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્‍યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્‍યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી પર્વતના ૧૦૦૦૦ પગથિયા ચડ્‍યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્‍થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્‍ટની સફળતા દર્શાવે છે.

(10:00 am IST)