સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ગાંધીધામ પાસે હિટ એન્ડ રનમાં દાદી પૌત્રનું મોત: યમદૂત સમા ડમ્પરે કચડી નાખ્યા

બસમાંથી ઊતરી રસ્તો ઓળંગતી વેળાએ ડમ્પરે હડફેટે લીધા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮

 કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો થંભવાનુ નામ જ નથી લેતો. ગાંધીધામની ભાગોળે આવેલા પડાણા ગામ પાસે હિટ એન્ડ રનના બનાવમાં દાદી અને પૌત્રના બેવડા મોતના બનાવે અરેરાટી સર્જી છે. નેશનલ હાઈવેને અડીને આવેલ પડાણા ગામે બસમાંથી ઉતરી રસ્તો ઓળંગી રહેલા ૬૦ વર્ષીય ધનુબા ગોગુભા ઝાલા અને તેમના ૭ વર્ષના પૌત્ર કૃપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને પુરપાટ આવતાં ડમ્પરે હડફેટે લઈ કચડી નાખ્યા હતા. જેના પગલે બન્નેના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક ધનુબા રાપરના મોટો હમીરપુર ગામના હતા અને પોતાના પિયર પડાણા આવ્યા તે વેળાએ બસમાંથી ઉતરતી વખતે તેમને યમદૂત સમા ડમ્પરે કચડી નાખ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)