સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th January 2022

બોટાદના કાઠી યુવાનની હત્‍યા કરી જંગલમાં લાશ ફેંકી દેવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા. ૧૮: બોટાદ જીલ્લાના કાઠી યુવાનની હિંગોળગઢ જંગલમાં ગળેટૂપો દઈ ખૂન કરવાના ગુન્‍હામાં પકડાયેલ લાભુભાઈ શામળાભાઈ રબારીના જામીન સેશન્‍સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ કેસની હકીકત એવી છે કે, બોટાદ જીલ્લાના બાબરકોટ ગામે રહેતા સુરેશ મુળુભાઈ ખાચરે વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપતા જણાવેલ કે, ફરીયાદીના ભાઈ જયરાજભાઈ મુળુભાઈ ખાચરનાઓએ આરોપી લાભુ શામળાભાઈ આલ (રબારી) ને હાથઉછીના પૈસા આપેલ હોય અને બનાવના સાતેક દિવસ અગાઉ આરોપી લાભુ રબારી તથા તેનો ભાઈ ભીખા રબારી બન્‍ને ફરીયાદીના પાનના ગલ્લે જઈ ફરીયાદીના ભાઈ (મરણજનાર) જયરાજભાઈ સાથે પૈસા બાબતે બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી, જે બાબતનો ખાર રાખી આરોપી (૧) લાભુભાઈ શામળાભાઈ આલ (ર) ભીખાભાઈ શામળાભાઈ આલ (૩) લાલાભાઈ મેઘાભાઈ સાંબડ તા.૦૭/૦૯/ર૦ર૦ ના રાત્રે મરણજનારને બોલાવી આરોપીના પૂર્વાયોજીત કાવત્રાના ભાગરૂપે ગુજરનારને પૈસા આપી દેવા છે તેમ કહી પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયેલ અને ગળેટુંપો આપી મરણજનાર જયરાજનુ મર્ડર કરી લાશને હિંગોળગઢ વીડીમાં ફેંકી દીધેલ હોવાની ફરીયાદ વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં આપેલ હતી.
વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થતા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી જેલ હવાલે કરાતા આરોપી લાભુભાઈ શામળાભાઈ રબારીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્‍સ અદાલતમાં જામીન અરજી કરી એવી રજુઆત કરેલ હતી કે, ફરીયાદ પક્ષના કેસ પ્રમાણે મરણજનાર તથા આરોપી વચ્‍ચે નાણાકીય બાબતે મનદુઃખ હતુ. પરંતુ ફરીયાદપક્ષના તેવા કથનને સમર્થન કરતા કોઈ જ પુરાવો પોલીસે રજુ કરેલ નથી. ફરીયાદી દ્વારા બનાવના ર૩ કલાક બાદ ગોઠવણ મુજબ આરોપીઓ વિરૂઘ્‍ધ નામજોગ ફરીયાદ આપવામાં આવેલ છે. જયારે ખુદ ફરીયાદીના કથન પ્રમાણે તેમણે આરોપીઓના નામ તુરંત જ માલુમ પડી ગયેલ હતા તો પછી આટલા મોડા નામ જાહેર કરવાનુ કોઈ ગળે ઉતરે તેવું કારણ ફરીયાદ પક્ષ બતાવી શકેલ નથી.  જે તમામ હકીકત ઘ્‍યાને લઈ આરોપીને જામીન મુકત કરવા દલીલો કરેલ હતી.
તમામ પક્ષકારોની દલીલોના અંતે સેશન્‍સ કોર્ટ દ્વારા આરોપી તરફે થયેલ દલીલો સાથે સહમતી દર્શાવી આરોપી લાભુ શામળાભાઈ રબારીને જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી તરફે એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.


 

(11:28 am IST)