સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th August 2021

બળદને બચાવવા જતા ખેડૂતનો જીવ ગયાની શંકા

જામનગરમાં કૂવામાં પડેલા ખેડૂતનું મોત : કૂવાની ઊંડાઈ ૪૮ ફૂટથી વધારે, કૂવો કાચો હતો અને અંદર પથ્થરનું ચતરણ ન હોઈ અકસ્માત થયાની શંકા

જામનગર,તા.૧૬ :  જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના સોરઠા ગામે એક કરૂણ ઘટના ઘટી છે. અહીંયા એક ખેડૂત અને બળદના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યા છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત કરી અને બંને મૃતદેહો કાઢયા છે ત્યારે ખેડૂત કૂવામાં બળદને કાઢવા જતા મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે. બનાની જાણ થતા ફાયરનો કાફલો પહોંચી ગયો હતો અને મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની વિગતો એવી છે કે કાલાવડ તાલુકામાં સોરઠા ગામ આવેલું છે જ્યાં આજે કૂવામાંથી ખેડૂત અને બળદના કોહવાયેલા મૃતદેહો કાઢવામાં આવ્યા છે. આશંકા છે કે બળદને બચાવવા માટે ખેડૂત પડ્યો હોય એવી આશંકા છે.

જોકે, આસપાસના રહીશોએ ઘટના અંગે સ્થાનિક સ્તરે સત્તાધીશોને જાણ કરી ત્યારબાદ આજે પોલીસની અને ફાયરની કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કૂવાને જોતા તેની ઉંડાઈ ૪૮ ફૂટથી વધારે હોવાનું જણાઈ રહ્યું છે જોકે, કૂવો કાચો હતો અને અંદર પથ્થરનું ચતરણ નહોતું. ફાયરની ટીમ કૂવા પર રેસ્ક્યૂ સીડી મૂકીને ત્યારબાદ દોરડાઓ સાથે ખાટલો નાખી અને તેના સાથે બળદ અને ખેડૂતનો મૃતદેહ બાંધી કાઢવામાં આવ્યો હતો. ઘટનાના પગલે હાલાર પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયો હતો અને તપાસ કરી હતી. દરમિયાન ખેડૂત કેવી રીતે કૂવામાં પડી ગયા તેની સ્પષ્ટ વિગતો તો પોલીસની તપાસના અંતે બહાર આવશે. મામલે સ્થાનિકો પોલીસને વધુ વિગતો આપે ત્યારબાજ ઘટના જાણી શકાશે. હાલ તો પ્રાથમિક રીતે બળદને કાઢવા જતા ખેડૂત કૂવામાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે.

(9:38 pm IST)